મોરબી : મોરબીમા મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના વિદ્યાર્થીઓ પરિશ્રમથી શિક્ષણ ક્ષેત્રે જ્વલંત સિદ્ધિ મેળવી હોય તેમની આ સિદ્ધિને બિરદાવવા તેમજ સમાજની નવી પેઢીને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા મળે તે માટે ગઈકાલે રવિવારે વડવાળા યુવા સંગઠન દ્વારા સમરસ ભવન, લીલાપર કેનાલ રોડ મોરબી ખાતે ભવ્યાતિભવ્ય તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ – 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મચ્છુ કાંઠા તથા હાલાર રબારી સમાજના શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ ગુણાંક સાથે પરિણામ મેળવનાર સમાજની તેજસ્વી છાત્ર પ્રતિભાઓનું શ્રેષ્ઠ પારિતોષિક આપીને બહુમાન કરવામાં આવ્યું હતું.
તેજસ્વી છાત્રોના પારિતોષિક સમારોહનો શુભારંભ પ્રારંભ સરસ્વતી માતાના દીપ પ્રાગટ્ય અને પૂજ્ય સંતોના શુભાષિશ સાથે કરવામાં આવ્યો હતો. આ તકે પ.પૂ. જગદગુરુ નિર્મોહી પીઠાધીશ્વર કનીરામદાસજી મહારાજ ( વડવાળા મંદિર, દુધરેજધામ) ઉપસ્થિત રહીને તેજસ્વી વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા. તેમજ મેઘ મંડલેશ્વર રામબાલકદાસજી બાપુના પ્રતિનિધિ તરીકે સુંદરદાસજી બાપુ (કોઠારી, વડવાળા મંદિર, દુધઈ) તથા બંસીદાસજી બાપુના પ્રતિનિધિ તરીકે મગનીરામદાસજી બાપુ (કોઠારી, આપાગીગાની જગ્યા, મેસરિયા) ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતા.
પેઢી દર પેઢી લોકોમાં શિક્ષણની ચેતનાનો સંચાર થતા સમાજના ઘણા લોકો શિક્ષણથી સમાજમાં મોભાદાર સ્થાન મેળવી રહ્યા છે અને હવે એક દાયકાથી શિક્ષણનો વ્યાપ વધ્યો તેમજ સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનો બોર્ડ, યુનિ. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉજ્જવળ સિદ્ધિ મેળવી હોય એ ગૌરવની વાત છે અને હવે જમાનો શિક્ષણ વિના માણસ પશુ સમાન ગણાશે તેથી સમાજના લોકોને તમામ જાતના કુરિવાજોને બેડીને બંધનમાંથી મુક્ત થઈ શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ આગળ આવી સમાજથી દેશનું ભલું કરવા માટે યોગદાન આપવાની હાકલ કરી હતી.
આ કાર્યક્રમમાં સમાજની આસ્થાના કેન્દ્ર સમાન ભુવા લખમણઆતા (ખાનકોટડા) તથા ભુવા સવાઆતા (અદેપર) પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય માર્ગદર્શક તરીકે શ્રીમતી રેખાબેન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણ, વ્યક્તિત્વ વિકાસ, સંસ્કાર અને વ્યસનમુક્ત સમાજના નિર્માણ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમનું આકર્ષણ રબારી સમાજના એવા ઉચ્ચ અધિકારીઓ રહ્યા હતા જેમણે સરકારી સેવાઓમાં સમાજનું ગૌરવ વધાર્યું છે. મોરબીના ડી.વાય.એસ.પી. જે. એમ. આલ, અમદાવાદના નિવૃત્ત ડી.વાય.એસ.પી. આઈ. એન. દેસાઈ તથા મોરબીના એસ.ટી.ઓ. જે. બી. દેસાઈ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ, કારકિર્દી નિર્માણ અને શાસકીય સેવાઓમાં આગળ વધવા માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે યુવાનોને મોટા સપના જોવાની અને તેને સાકાર કરવા માટે સતત મહેનત કરવાની પ્રેરણા આપી હતી.
સમારોહ દરમિયાન ઉચ્ચ ગુણાંક સાથે સફળતા પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર અર્પણ કરી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની સિદ્ધિઓને સમગ્ર સમાજે તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી વડવાળા યુવા સંગઠન – મોરબીના હોદ્દેદારો, કાર્યકરો અને યુવા ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

