હળવદ તાલુકાના જૂના માલણીયાદ ગામે રહેતા જેરામભાઈ રેવાભાઈ ગુંડારીયાએ ગામના જ માનસિંગભાઈ નાનુભાઈ ઉધરેજા અને સવજીભાઈ નાનુભાઈ ઉધરેજા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, જેરામભાઈ અને તેમના સાથી હરેશભાઈએ આરોપીઓને શેરીમાં પાણી ન ઢોળવા અંગે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન માનસિંગભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમના હાથમાં રહેલા લોખંડના સણોથાથી જેરામભાઈના માથાના ભાગે પ્રહાર કરી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ સવજીભાઈએ પણ જેરામભાઈને પકડીને માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ ઉપરાંત બંને આરોપીઓએ અપશબ્દો બોલી ધમકી આપી હતી કે ફરીથી સમજાવવા આવશો તો જાનથી મારી નાખીશું. ઘટનાને લઈને જેરામભાઈએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

