મોરબી-કંડલા નેશનલ હાઈવે પર આવેલા માળીયાના હરીપર ગામની ગોળાઈ નજીક અકસ્માતની ઘટના નોંધાઈ છે. માહિતી મુજબ, ડિવાઈડર સાથે અથડાઈને એક એસ.ટી. બસ રસ્તા પર બંધ પડી ગઈ હતી. આ બસના મુસાફરોને મદદરૂપ થવા અને તેમને પોતાની બસમાં બેસાડવા માટે બીજી એસ.ટી. બસ રસ્તાની બાજુમાં ઉભી રાખવામાં આવી હતી.
તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા એક ટ્રકના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી ઉભેલી એસ.ટી. બસને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતના કારણે બસમાં બેઠેલા બે મહિલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. જેમાં એક મહિલાને પગના ભાગે સામાન્ય ઈજા થઈ હતી, જ્યારે બીજી મહિલાને કમરના ભાગે ગંભીર ઈજા થતાં ફ્રેક્ચર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ બનાવ અંગે દ્વારકા જિલ્લાના રહેવાસી અને એસ.ટી. ડ્રાઈવર યોગીરાજસિંહ વનરાજસિંહ જાડેજાએ માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં તે ટ્રક નંબર DD-01R-9598ના ચાલક સામે ફરિયાદ નોધાવી છે. ફરિયાદમાં બેફામ અને ગફલતભરી રીતે ટ્રક ચલાવી અકસ્માત સર્જ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
પોલીસે ફરિયાદના આધારે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

