રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIG) નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રેન્જ હેઠળના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા આપેલી કડક સૂચનાના પગલે રાજકોટ રેન્જ ટીમને મોટી સફળતા મળી છે. રેન્જ પોલીસ ઇન્સપેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા અને સ્ટાફે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે જેતપુર તાલુકામાંથી દારૂની હેરાફેરી કરતા એક ઇસમને ઝડપી લીધો છે.
પોલીસ સ્ટાફના દિવ્યેશભાઇ સુવા, વકારભાઇ આરબ, શિવરાજસિહ ઝાલા, નિકુલભાઇ પંપાણીયા અને ડ્રાઈવર ગોવિંદભાઇ ધાંધળને મળેલી ચોક્કસ બાતમીના આધારે જેતપુર-બગસરા રોડ પર ખારચીયા ગામ તરફ જવાના રસ્તે, રણુજા મંદિર નજીક મામાદેવના મંદિર પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતી એક ઇકોસ્પોર્ટસ કાર જીજે-11-એબી-8238ને અટકાવી તલાશી લેતા તેમાંથી ૫૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી કાર ચાલક દિપક ઉર્ફે મોતીયો ગુણવંતરાય વોરાની ધરપકડ કરી છે. પોલીસે દેશી દારૂ, મોબાઈલ ફોન અને ઇકોસ્પોર્ટસ કાર સહિત કુલ રૂપિયા 4,00500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો આ જથ્થો આપનાર અને મંગાવનાર તરીકે અન્ય બે શખ્સોના નામ ખૂલ્યા છે, જેમાં: 1. દિલુભાઇ બોરીચા (રહે. ધારી બગસરા) 2. કિશન ડાયાભાઇ રાઠોડ વિરુદ્ધ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

