મોરબીના લાલપર ગામની સીમમાં આવેલા પાર્કિંગ ટાઇલ્સના કારખાનાને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. દિવાળીની રજાનો લાભ ઉઠાવી મોડી રાત્રે પાંચ જેટલા અજાણ્યા શખ્સો કારખાનામાં ઘૂસ્યા હતા અને કીલન મશીન સહિતના વિસ્તારમાંથી અંદાજે રૂ. 1.60 લાખની કિંમતના કોપર તથા ફોરકોર કેબલ વાયર ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના રવાપર રોડ પર એકતા એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા વૈભવભાઈ પ્રેમજીભાઈ ચાડમીયા (ઉ.વ. 27) લાલપર ગામની સીમમાં જૂના રફાળેશ્વર તરફ જવાના રસ્તે પાવર હાઉસ સામે ‘કમાન્ડર સીરામીક ઈન્ડસ્ટ્રીઝ’ નામે ભાગીદારીમાં પાર્કિંગ ટાઇલ્સનું કારખાનું ધરાવે છે. દિવાળીના તહેવારને પગલે તા. 7થી 14 નવેમ્બર દરમિયાન કારખાનામાં રજા રાખવામાં આવી હતી. ત્યારબાદ 14 નવેમ્બરના રોજ ઉત્પાદન ફરી શરૂ કરવા ઓપરેટરોએ કીલન મશીન ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મશીન ચાલુ ન થતાં તપાસ દરમિયાન પાવર કનેક્શનના કેબલ વાયર કપાયેલા હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગે કારખાનાના ભાગીદારને જાણ કરી સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવતા ચોરીની સમગ્ર ઘટના સામે આવી હતી. ફૂટેજમાં 9 નવેમ્બરની રાત્રે આશરે 11 વાગ્યાના અરસામાં મોઢે બુકાની બાંધેલા પાંચ જેટલા શખ્સો લોખંડના પાઇપ અને ધારિયાં જેવાં હથિયારો સાથે કારખાનામાં પ્રવેશતા જોવા મળ્યા હતા. તસ્કરોએ કેનાલ તરફની દિવાલમાં આવેલી લોખંડની ગ્રીલ તોડી અથવા કાપી શેડમાં પ્રવેશ કર્યો હતો અને કીલન તથા સાઈઝિંગ વિભાગમાંથી કેબલ વાયર કાપીને ચોરી કરી હતી.
આરોપીઓ અંદાજે રૂ. 1.15 લાખની કિંમતનો 35 એમએમનો 692 મીટર કોપર કેબલ વાયર અને રૂ. 45 હજારની કિંમતનો 1.5 એમએમનો 115 મીટર ફોરકોર કેબલ વાયર મળી કુલ રૂ. 1.60 લાખનો મુદ્દામાલ ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ મામલે વૈભવભાઈ ચાડમીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા પાંચ શખ્સો વિરુદ્ધ BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ PSI શિવાંગકુમાર ભટ્ટને સોંપી છે.


