HomeGujaratપગપાળા ચોટીલા જઈ રહેલા મહિલાને વાંકાનેર નજીક કારે હડફેટે લેતા મોત

પગપાળા ચોટીલા જઈ રહેલા મહિલાને વાંકાનેર નજીક કારે હડફેટે લેતા મોત

મોરબી જિલ્લાના ચાચાપર ગામના દંપતીની ચોટીલા ચામુંડા માતાજીના દર્શનની યાત્રા માતમમાં ફેરવાઈ હતી. માનતા પૂરી કરવા સંબંધીઓ સાથે પગપાળા ચોટીલા જઈ રહેલા દિવ્યાબેન ઉર્ફે દેવુબેનને વાંકાનેરના જોધપર ગામ નજીક નેશનલ હાઈવે પર અજાણી સફેદ કારે પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા દિવ્યાબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

બનાવની મળતી વિગતો અનુસાર, મોરબી તાલુકાના ચાચાપર ગામે રહેતા કેશવજીભાઈ ચાવડા ગત તા. 12ના રોજ તેમના પત્ની દિવ્યાબેન ઉર્ફે દેવુબેન અને પરિવારજનો સાથે માનતા પૂરી કરવા ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે પગપાળા નીકળ્યા હતા. દરમિયાન મધરાત્રિના આશરે સાડા બાર વાગ્યાના અરસામાં તેઓ વાંકાનેર તાલુકાના જોધપર ગામ નજીક નેશનલ હાઈવેના ઓવરબ્રિજ પાસે પહોંચ્યા હતા, ત્યારે પાછળથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલી અજાણી સફેદ કારના ચાલકે દિવ્યાબેનને અડફેટે લીધા હતા.

અકસ્‍માત સર્જ્યા બાદ કારચાલક માનવતા નેવે મૂકીને વાહન સાથે સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. બીજી તરફ અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતા દિવ્યાબેનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

બનાવ અંગે મૃતકના પતિ કેશવજીભાઈ ચાવડાએ અજાણ્યા કારચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી ફરાર કારચાલકને શોધવા સહિતની વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW