મોરબીના ખાટકી વાસ વિસ્તારમાં રહેતા નવાઝ ઇકબાલભાઈ ચૌહાણ દ્વારા મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં દાઉદભાઈ કાસમભાઈ ચૌહાણ, શાહરૂખ દાઉદભાઈ ચૌહાણ, ફાતીમાબેન દાઉદભાઈ ચૌહાણ, ઇરમ દાઉદભાઈ ચૌહાણ (તમામ મોરબી નિવાસી) તેમજ શબીર અબ્બાસ તરકબાણને આરોપી તરીકે નામજોગ કરવામાં આવ્યા છે.
ફરિયાદ મુજબ, ફરિયાદી અને આરોપીઓ એક જ ફળીયામાં રહેતા હોવાથી મકાનની ડેલી બંધ કરવા જેવી બાબતોને લઈને અગાઉથી અવારનવાર તકરાર થતી હતી. આ જૂની અદાવતના કારણે આરોપી દાઉદભાઈ અને શાહરૂખ ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા અને ફરિયાદીની માતા સાથે ગાળાગાળી કરીને ઝઘડો શરૂ કર્યો હતો. બનાવની જાણ થતાં ફરિયાદી નવાઝ અને તેમના પિતા ઇકબાલભાઈ ત્યાં પહોંચ્યા હતા. તે દરમિયાન બંને આરોપીઓએ તેમની સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી. બાદમાં ફાતીમાબેન અને ઇરમ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ઝરીનાબેન સાથે ગાળાગાળી તથા ધક્કામુક્કી કરી હતી.
વિવાદ વધુ ઉગ્ર બનતાં ફરિયાદી વચ્ચે પડ્યા હતા, ત્યારે આરોપીઓએ ફરિયાદી અને તેમના પરિવારજનો સાથે મારામારી કરી હતી. આ દરમિયાન શાહરૂખે ઇકબાલભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને લોખંડના પાઇપ વડે માથામાં પ્રહાર કરીને ગંભીર ઇજા પહોંચાડી હતી. ઉપરાંત શાહરૂખે ઝરીનાબેનને વાળ પકડીને શેરીમાં ખેંચી લઈ જઈ અન્ય આરોપીઓ સાથે મળી માર માર્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

