મોરબીના મકનસર ગામે પ્રેમજીનગરમાં રહેતા સુરેશભાઈ દેવજીભાઈ ચાવડા (ઉંમર 34) એ બે શખ્સો સામે મારામારી અને ધમકી અંગે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, સુરેશભાઈએ આશરે આઠ મહિના અગાઉ જયેશભાઈ વેલજીભાઈ શેખવાને હાથ ઉછીના રૂપિયા 2,000 આપ્યા હતા. આ રકમ પરત માંગવા માટે તેઓ જયેશભાઈના ગેરેજ પાસે ગયા હતા. દરમિયાન પૈસાની ઉઘરાણી બાબતે જયેશભાઈને નારાજગી થતા તેણે ફરીયાદીને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું.
સુરેશભાઈએ ગાળો બોલવાની ના પાડતા જયેશભાઈ શેખવા અને લાલો પોપટભાઈ રાણવા બંને ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારબાદ બંનેએ પાઈપ વડે ફરીયાદી પર હુમલો કરી શરીરે ઇજાઓ પહોંચાડી હતી. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

