HomeGujaratભણતરના ભોગે સોંપાયેલી વસ્તી ગણતરીની ફરજમાંથી શિક્ષકોને મુક્ત કરવા માંગ

ભણતરના ભોગે સોંપાયેલી વસ્તી ગણતરીની ફરજમાંથી શિક્ષકોને મુક્ત કરવા માંગ

મોરબી: સરકારી શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં 8 જૂનથી શૈક્ષણિક કાર્ય શરૂ થવાનું છે, ત્યારે શિક્ષકોને વસ્તી ગણતરીની કામગીરી સોંપવાના નિર્ણય સામે વાલી મંડળ અને શિક્ષણપ્રેમીઓએ વિરોધ નોંધાવ્યો છે. આ મુદ્દે સરકારને રજૂઆત કરીને શિક્ષકોને વસ્તી ગણતરીની ફરજમાંથી મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા હાલ વસ્તી ગણતરીની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં મોટા પ્રમાણમાં સરકારી શાળાના શિક્ષકોને ફરજ સોંપવામાં આવી છે. આ કામગીરી લાંબા સમય સુધી ચાલનારી અને સમય માગતી હોવાથી શિક્ષકોનો મોટો સમય તેમાં વ્યસ્ત રહેશે, જેના કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓના શિક્ષણકાર્ય પર સીધી અસર થવાની શક્યતા છે.

રજૂઆતકારોએ આક્ષેપ કર્યો છે કે, અગાઉની વિવિધ સરકારી કામગીરીઓની જેમ આ વખતે પણ શિક્ષકો પર વધારાનો ભાર મૂકવામાં આવી રહ્યો છે. એક તરફ સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત છે, ત્યારે બીજી તરફ વસ્તી ગણતરી જેવી વિશાળ કામગીરી સોંપાતા વિદ્યાર્થીઓના અભ્યાસને નુકસાન પહોંચશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના બાળકો પર તેની વધુ અસર જોવા મળશે. તેમણે જણાવ્યું કે, કેટલાક શિક્ષકોને 200 ઘરોના બદલે 600થી વધુ ઘરોની ગણતરી કરવાની જવાબદારી સોંપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેના કારણે શિક્ષકો માટે શિક્ષણ અને વસ્તી ગણતરી બંને કામગીરી સંભાળવી મુશ્કેલ બની રહી છે.

રજૂઆતમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, સરકારી શાળાના શિક્ષકોને સતત બિનશૈક્ષણિક કામગીરી સોંપાતા વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં દાખલ કરવા મજબૂર બની શકે છે, જે ખાનગી શિક્ષણના વ્યાપારીકરણને પરોક્ષ રીતે પ્રોત્સાહન આપતું હોવાનું કહેવાયું છે. રજૂઆતકારોએ સરકારને વસ્તી ગણતરીની કામગીરીમાંથી સરકારી શાળાના શિક્ષકોને મુક્ત કરીને વિદ્યાર્થીઓના શિક્ષણ હિતનું રક્ષણ કરવા માંગ કરી છે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો પાંચ દિવસમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો વાલીઓ સાથે મળીને ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમો યોજવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW