HomeGujaratસુરત પોલીસનું 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' સફળ: 58 ગુના નોંધાયા, 77 સાયબર...

સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ સફળ: 58 ગુના નોંધાયા, 77 સાયબર ઠગ ઝડપાયા

ડિજિટલ યુગમાં વધી રહેલા સાયબર ગુનાઓ સામે કડક કાર્યવાહી કરતાં સુરત શહેર પોલીસે ત્રણ દિવસીય વિશેષ અભિયાન “ઓપરેશન મ્યુલ હન્ટ 2.0” હાથ ધર્યું હતું. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ 31 મેથી 2 જૂન 2026 દરમિયાન ચલાવવામાં આવેલા આ ઓપરેશનમાં કુલ 58 ગુનાઓ નોંધવામાં આવ્યા હતા અને દેશના વિવિધ રાજ્યોમાંથી 77 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

પોલીસ તપાસમાં આશરે રૂ. 23.85 કરોડની સાયબર છેતરપિંડીનો ભંડાફોડ થયો છે. પ્રાથમિક તપાસ મુજબ મોટાભાગના ગુનાઓ રોકાણ (ઇન્વેસ્ટમેન્ટ) ફ્રોડ અને વધુ નફાની લાલચ આપતી સ્કીમો સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. સાયબર ગુનેગારો ઠગાઈની રકમ ટ્રાન્સફર કરવા માટે “મ્યુલ એકાઉન્ટ” તરીકે ઓળખાતા ભાડાના બેંક ખાતાઓનો ઉપયોગ કરતા હતા. આ માટે સામાન્ય નાગરિકોને કમિશન અથવા નાણાકીય લાભની લાલચ આપીને તેમના ખાતાઓ ગેરકાયદેસર વ્યવહારોમાં વપરાતા હતા. છેતરપિંડીની રકમ અનેક ખાતાઓમાં ઝડપથી ટ્રાન્સફર કરીને અંતે એટીએમ મારફતે ઉપાડી લેવામાં આવતી હતી.

આ નેટવર્કને તોડી પાડવા માટે સુરત પોલીસે લગભગ એક મહિના સુધી ગુપ્ત આયોજન કર્યું હતું. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર નોંધાયેલી ફરિયાદો, શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અને બેંક ખાતાઓનું વિશ્લેષણ કરીને સમગ્ર કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓપરેશન પહેલાં બેંકો, ફિનટેક કંપનીઓ, ટેલિકોમ વિભાગ અને અન્ય એજન્સીઓ સાથે સંકલન બેઠક યોજાઈ હતી. ઉપરાંત 500થી વધુ પોલીસ કર્મચારીઓને સાયબર નિષ્ણાતો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દ્વારા વિશેષ તાલીમ પણ આપવામાં આવી હતી.

અંતિમ તબક્કામાં સુરત સાયબર ક્રાઇમ સેલ અને વિવિધ પોલીસ સ્ટેશનની 50થી વધુ ટીમોએ દેશભરમાં એકસાથે કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાત ઉપરાંત દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક સહિતના રાજ્યોમાંથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી મોટી સંખ્યામાં સિમ કાર્ડ, ડેબિટ કાર્ડ અને અન્ય ડિજિટલ પુરાવાઓ પણ જપ્ત કરાયા છે. તપાસ દરમિયાન હોટલ બુકિંગ, ઇન્સ્યોરન્સ, નકલી ઓનલાઈન શોપિંગ, વર્ક વિઝા, લોન, પાર્સલ ડિલિવરી, નકલી નોકરીની ઓફર તેમજ APK ફાઇલ મારફતે મોબાઇલ હેકિંગ જેવા અનેક પ્રકારના ફ્રોડ સામે આવ્યા છે. સૌથી વધુ કેસ ઇન્વેસ્ટમેન્ટ અને ટાસ્ક આધારિત ફ્રોડના હોવાનું પોલીસએ જણાવ્યું હતું.

પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા મની રિફંડ મોડ્યુલ (MRM) હેઠળ હવે રૂ. 50,000 સુધીની ફ્રીઝ થયેલી રકમ સરળતાથી પરત મેળવવાની સુવિધા ઉપલબ્ધ છે. ઉપરાંત, યોગ્ય દસ્તાવેજો રજૂ કરવાથી બેંકોને પણ અમુક મર્યાદા સુધી ખાતા અનફ્રીઝ કરવાની સત્તા આપવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં ઘણા રીઢા ગુનેગારો હોવાનું સામે આવ્યું છે. તેથી તેમની સામે ભારતીય ન્યાય સંહિતાની ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સંબંધિત જોગવાઈઓ હેઠળ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સુરત પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે, તેઓ કોઈપણ લોભામણી રોકાણ યોજનાઓ, નકલી ઓફરો અથવા ડિજિટલ અરેસ્ટ જેવી ધમકીઓથી સાવચેત રહે. કોઈપણ શંકાસ્પદ સાયબર ફ્રોડની ઘટનામાં તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW