મોરબી શહેરના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી મોરબી એસ.ઓ.જી. ટીમે ગાંજો અને હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, એસ.ઓ.જી. ટીમને બાતમી મળી હતી કે, દાઉદભાઈ અબ્બાસભાઈ ખુરેશી, રહે. સાયન્ટિફિક રોડ, વજેપર, મોરબી-1, પોતાના રહેણાંક મકાન સામે આવેલા કબજાના વાડામાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો સંગ્રહ કરી તેનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે પંચોની હાજરીમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી 1 કિલો 992 ગ્રામ વજનનો ગાંજો, જેની અંદાજિત કિંમત રૂ. 99,600 થાય છે, તેમજ 11 ગ્રામ 37 મિલિગ્રામ હાઇબ્રિડ ગાંજો, કિંમત રૂ. 38,629 મળી આવ્યો હતો. ઉપરાંત ગાંજાના વજન માટે ઉપયોગમાં લેવાતા બે ઇલેક્ટ્રિક કાંટા, રૂ. 1,620 રોકડ રકમ અને રૂ. 5,000 કિંમતનો વીવો કંપનીનો મોબાઇલ ફોન પણ કબ્જે કરવામાં આવ્યો હતો.
પોલીસે કુલ રૂ. 1,45,549 કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી), 20(બી)(2-બી) અને 29 મુજબ ગુનો નોંધાવ્યો છે. સમગ્ર મામલે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે કેસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

