રાજકોટ: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને રેલ સંચાર પ્રણાલીના આધુનિકીકરણની દિશામાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન હાંસલ કર્યો છે. ૨૬ મે, ૨૦૨૬ના રોજ રાજકોટ-વિરમગામ સેક્શનની જૂની કમ્યુનિકેશન સિસ્ટમને સફળતાપૂર્વક અત્યાધુનિક MPLS-VoIP આધારિત ટ્રેન કંટ્રોલ કમ્યુનિકેશન સિસ્ટમમાં માઇગ્રેટ કરવામાં આવી છે.
સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ-વિરમગામ મુખ્ય લાઇન સહિત વાંકાનેર-નવલખી અને સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રેલખંડ મળીને કુલ ૩૧૪.૫ કિમી રેલખંડ અને ૩૫ રેલવે સ્ટેશનોને આ આધુનિક નેટવર્ક સાથે જોડવામાં આવ્યા છે.
આ પ્રણાલીની મુખ્ય વિશેષતાઓ:
-
HD ક્વોલિટી કમ્યુનિકેશન: કંટ્રોલ ઓફિસ અને સ્ટેશન માસ્ટર્સ વચ્ચે સ્પીકરફોન અને ગુઝનેક માઇક્રોફોન સુવિધા સાથે હાઇ-ડેફિનેશન ક્વોલિટીમાં અવિરત વોઇસ કોન્ફરન્સિંગ થશે.
-
કોલર આઇડી અને ટચ સ્ક્રીન: સુરક્ષા વધારવા માટે કોલર આઇડી અને કામગીરીને સરળ બનાવવા ટચ સ્ક્રીન કંટ્રોલ કન્સોલ યુનિટ લગાવવામાં આવ્યું છે.
-
સ્ટેશન માસ્ટર્સ વચ્ચે સીધો સંપર્ક: કંટ્રોલરને ખલેલ પહોંચાડ્યા વિના સ્ટેશન માસ્ટર્સ પરસ્પર સીધો સંવાદ કરી શકશે.
ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) શ્રી ગિરિરાજ કુમાર મીનાએ આ સિદ્ધિને બિરદાવતા જણાવ્યું કે, આ પ્રણાલીથી ટ્રેન કંટ્રોલ સંચાર વધુ ઝડપી અને સુરક્ષિત બનશે. હાલ આ સિસ્ટમનું સઘન મોનિટરિંગ ચાલી રહ્યું છે અને આગામી સમયમાં અન્ય સંચાર સેવાઓ પણ આ નેટવર્ક પર કાર્યરત કરાશે.

