રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અસમાજિક તત્વોનો અડ્ડો બની રહી છે. છાશવારે અસમાજિક તત્વો દ્વારા સામાન્ય નાગરિકો ઉપર હૂમલો કર્યાના ભૂતકાળમાં પણ બનાવ બન્યાં હતાં. ત્યારે ત્યાં પડ્યા પાથર્યા રહેતા દંપતિને સિવિલ હોસ્પિટલની બહાર જવાનું કહેતા જ દંપતિએ સિક્યોરીટી ગાર્ડ ઉપર વાયર વડે હૂમલો કર્યો હતો. તો ઘટનાબાદ વિફરેલા લોકોએ દંપત્તિની ધોલાઈ કરી હતી.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
રાજકોટના રામનાથપરા શેરી નંબર-17માં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા રાજુભાઈ દેવશીભાઈ પરમાર (ઉ. 54) નામના આધેડ આજે સિવિલ હોસ્પિટલના પટાંગણમાં આવેલા મેલડી માતાજીના મંદિર પાસે ફરજ બજાવતા હતા. ત્યારે કિટીપરા વિસ્તારના વિજય બાબુ સોલંકી અને તેની પત્ની છેલ્લા ઘણા સમયથી ત્યાં પડ્યાં પાથર્યા રહેતા હોય તેને સિવિલ હોસ્પિટલની બહાર ચાલ્યા જવા માટે કહ્યું હતું.

આ બાદ ઉશ્કેરાયેલા વિજયે સિક્યોરીટી ગાર્ડ રાજુભાઈ ઉપર વાયર વડે હૂમલો કરીને દંપત્તિએ અપશબ્દો બોલ્યાં હતાં. આ ઘટના ઘટતા ત્યાં લોકોના ટોળા એકઠા થઈ ગયાં હતાં. જે બાદ એક વિફરેલા નાગરીકે હંટર વડે દાદાગીરી કરનાર અસામાજિક દંપત્તિને માર મારીને તેમની શાન ઠેકાણે લાવી હતી. આ ઘટનામાં ઈજા પામેલા સિક્યોરીટી ગાર્ડને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

