વાંકાનેર તાલુકાના માટેલ ગામના દલિત સમાજ દ્વારા સ્મશાનના વિકાસ કામો અને ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે જરૂરી સુવિધાઓ વહેલી તકે પૂર્ણ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. આ અંગે ગામના રહેવાસી સંજય નારણભાઈ ચાવડાએ વોટ્સએપ મારફતે રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે, દલિત સમાજના સ્મશાન માટેના વિકાસ કામોને ત્રણ વર્ષ અગાઉ મંજૂરી અને વહીવટી મંજૂરી મળવા છતાં આજદિન સુધી કામગીરી શરૂ કરવામાં આવી નથી. જેના કારણે સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ઉપરાંત, ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવનના એક ખૂણામાં ફેવરબ્લોકનું કામ અધૂરું હોવાનું તેમજ ભવનમાં સુરક્ષા માટે સીસીટીવી કેમેરા ન હોવાની બાબત પણ ધ્યાન દોરવામાં આવી છે. અરજદારના જણાવ્યા મુજબ, તા. 5 મે, 2026ના રોજ તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ) માયાબેન પરાસરા તથા માટેલ ગામના તલાટી કમ મંત્રી દલિત સમાજના સ્મશાન સ્થળની મુલાકાતે આવ્યા હતા. તે સમયે ટીડીઓએ ત્રણથી ચાર મહિનામાં કામ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. જોકે એક મહિનો વીતી જવા છતાં હજુ સુધી કામગીરી શરૂ થઈ નથી.
વધુમાં, તા. 2 જૂનના રોજ ટીડીઓ સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન વિકાસના કામો અંગે પૂછપરછ કરતાં “આ બાબત અમારા કાર્યક્ષેત્રમાં આવતી નથી” તેવો જવાબ મળ્યો હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે. જેના કારણે કામોની જવાબદારી કોની છે તે અંગે પ્રશ્નો ઊભા થયા છે. દલિત સમાજે માટેલ ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી કમ મંત્રી તેમજ સંબંધિત અધિકારીઓ વિકાસના કામો પ્રત્યે પૂરતું ધ્યાન આપતા ન હોવાનો આક્ષેપ કર્યો છે અને સ્મશાનના વિકાસ કામો, આંબેડકર ભવનમાં સીસીટીવી કેમેરા તથા બાકી રહેલા ફેવરબ્લોકના કામો તાત્કાલિક શરૂ કરી પૂર્ણ કરવા માંગ કરી છે.

