મોરબી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી, ખેતીવાડી વિભાગે ખેડૂતોને સાવચેતી રાખવા અપીલ
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી તા. ૧૮ માર્ચ થી ૨૧ માર્ચ ૨૦૨૬ દરમિયાન મોરબી જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સંભાવિત માવઠાને ધ્યાનમાં રાખીને જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો, વેપારીઓ તેમજ APMC ને જરૂરી અગમચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ખેતીવાડી વિભાગના જણાવ્યા મુજબ ખેડૂતો ખેતરમાં કાપણી કરીને રાખેલા પાક અથવા ખુલ્લામાં પડેલી કૃષિ જણસોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડે અથવા પ્લાસ્ટિકની તાડપત્રી વડે યોગ્ય રીતે ઢાંકી દે. તેમજ વરસાદી પાણી ઢગલાની નીચે ન જાય તે માટે આસપાસ માટીનો પાળો બનાવી સુરક્ષા રાખવાની સલાહ આપવામાં આવી છે.
આ ઉપરાંત હાલના દિવસોમાં ખેતરમાં જંતુનાશક દવાઓ કે ખાતરનો ઉપયોગ ટાળવો પણ ખેડૂતોના હિતમાં ગણાય છે. ખાતર અને બિયારણના વેપારીઓને પણ પોતાના ગોડાઉનમાં રહેલા જથ્થાને ભેજ અને વરસાદી પાણીથી બચાવવા યોગ્ય વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે.
માર્કેટિંગ યાર્ડ (APMC) માં વેચાણ માટે આવતી કૃષિ ઉપજને લઈને પણ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. શક્ય હોય તો આ દિવસો દરમિયાન ખેડૂત અને વેપારીઓએ યાર્ડમાં જણસ લાવવાનું ટાળવું અથવા પૂરતી સુરક્ષા વ્યવસ્થા સાથે જ લાવવી.
ખેડૂતોને વધુ માહિતી કે માર્ગદર્શન માટે પોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે. ઉપરાંત કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ પર સંપર્ક કરીને પણ માહિતી મેળવી શકાય છે.
જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ‘અગમચેતી એ જ સલામતી’ના મંત્ર સાથે આ સંભાવિત માવઠા દરમિયાન સાવચેતી રાખી પાકને નુકસાનથી બચાવવાની અપીલ કરવામાં આવી છે.

