મોરબી મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26 ના બાકી મિલકત વેરાની વસૂલાત માટે આક્રમક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં હજારો બાકીદારોને વોરંટ ફટકારવામાં આવ્યા છે અને અનેક મિલકતોને સીલ મારી દેવામાં આવ્યા છે.
-
વોરંટ અને સીલિંગ: મિલકત વેરા શાખાએ અત્યાર સુધીમાં કુલ 1275 બાકીદારોને વોરંટ ઇસ્યુ કર્યા છે. જેમાંથી 108 મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જોકે, 42 આસામીઓએ તુરંત વેરો ભરપાઈ કરતા તેમના સીલ ખોલવામાં આવ્યા છે, જ્યારે 64 મિલકતો હજુ પણ સીલ છે.
-
નળ-ડ્રેનેજ કનેક્શન કપાશે: રહેણાંક મિલકતોમાં જેનો વેરો બાકી છે તેવા 2 આસામીઓના નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. તંત્રએ ચેતવણી આપી છે કે જે રહેણાંક મિલકતનો વેરો 10,000 થી વધુ બાકી હશે, તેમના નળ અને ડ્રેનેજ કનેક્શન આગામી દિવસોમાં કાપી નાખવામાં આવશે.
-
કરોડોની આવક: આ કડક ઝુંબેશને કારણે શહેર વિસ્તારમાંથી રૂ. 27.37 કરોડ અને ગ્રામ્ય/ક્લસ્ટર વિસ્તારોમાંથી રૂ. 2.57 કરોડ મળી કુલ કરોડોની આવક પાલિકાની તિજોરીમાં જમા થઈ છે.
મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે આ સીલિંગ અને વોરંટની પ્રક્રિયા 31 માર્ચ 2026 સુધી સતત ચાલુ રહેશે.
વ્યાજની જોગવાઈ: જો નિયત સમય મર્યાદામાં વેરો ભરવામાં નહીં આવે તો બાકી રકમ પર 18% વ્યાજ વસૂલવામાં આવશે.
ક્યાં અને કેવી રીતે વેરો ભરી શકાશે?
નાગરિકોની સુવિધા માટે પાલિકાએ નીચે મુજબની વ્યવસ્થા કરી છે:
-
ઓનલાઈન: વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા.
-
ઓફલાઈન: મુખ્ય કચેરી ખાતે સવારે 10:30 થી 5:00 સુધી (રૂમ નં. 9 માં POS મશીનની સુવિધા પણ ઉપલબ્ધ).
-
ક્લસ્ટર ઓફિસ: નાની વાવડી, અમરેલી, મહેન્દ્રનગર, ભડીયાદ, ત્રાજપર, ગ્રીન ચોક લાઈબ્રેરી, વાંકાનેર દરવાજા, શનાળા, રવાપર અને લીલાપર ગ્રામ પંચાયત કચેરીઓ ખાતે સવારે 10:30 થી 4:00 વાગ્યા સુધી.
-
શનિવારની સુવિધા: 31 માર્ચ સુધી દર શનિવારે પણ વેરો સ્વીકારવામાં આવશે.

