મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરમાં ફૂડ સેફ્ટીને લઈને કડક કાર્યવાહી હાથ ધરી છે. આ અંતર્ગત હોટલ-રેસ્ટોરન્ટ, બેકરી, મીઠાઈની દુકાનો, સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ સહિતના સ્થળો પર વ્યાપક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ સપ્તાહ દરમિયાન ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરોએ શહેરના કુલ 56 ખાદ્ય પદાર્થ વેચતા વિક્રેતાઓની મુલાકાત લીધી હતી. નિરીક્ષણ દરમિયાન રવાપર રોડ, લાલબાગ, ગાંધીચીક નાસ્તાગલી જેવા વિસ્તારોમાં સ્ટ્રીટ ફૂડ અને અન્ય ખાણી-પીણીના સ્થળોની તપાસ કરવામાં આવી.
આ દરમિયાન અનેક ગંભીર ખામીઓ નોંધાઈ હતી, જેમ કે:
– અખાદ્ય (અસુરક્ષિત) કલરનો વધુ પડતો ઉપયોગ
– વાસી અને બગડેલો ખોરાક
– એક્સપાયરી ડેટ પસાર થયેલા ખાદ્ય પદાર્થો
– ફૂડ લાઇસન્સ/રજિસ્ટ્રેશનનો અભાવ
– અનહાઇજેનિક (અસ્વચ્છ) સ્થિતિ
આવા અખાદ્ય તત્વો અને ખરાબ ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને:
– જે. કે. હોટલમાં અખાદ્ય કલરનો જથ્થો નાશ કરાયો.
– રવાપર રોડ પર આવેલા શિવ પાવભાજીમાંથી વાસી ખોરાક નાશ કરાયો.
– રવાપર રોડ પર આવેલા વિરાટ પાવભાજી અને ગુરુકૃપા પાવભાજીમાં અખાદ્ય કલરનો ઉપયોગ જોવા મળતા તેનો નાશ કરાયો.
– રવાપર રોડ પર આવેલા ભવાની સ્વીટમાં એક્સપાયરી ડેટ વાળા પદાર્થોનો સ્થળ પર નાશ કરાયો.
આ ઉપરાંત 32 ખાણી-પીણીના ધંધાર્થીઓને ફૂડ લાઇસન્સ ન કરાવવા, અસ્વચ્છતા અને અન્ય બેદરકારી બાબતો અંગે નોટિસ ફટકારવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં આ ચેકિંગ કામગીરીને વધુ સઘન અને કડક બનાવવાની જાહેરાત કરી છે.અને ખાણી-પીણીના ધંધાર્થીઓને તાકીદ કરવામાં આવી છે કે અનહાઇજેનિક અને વાસી ખોરાકનો ઉપયોગ ન કરે. અખાદ્ય કલરનો બિલકુલ ઉપયોગ ન કરે.
– પોતાના ધંધા માટે FSSAI ફૂડ લાઇસન્સ/રજિસ્ટ્રેશન ઓનલાઇન (foscos.fssai.gov.in) પર તાત્કાલિક મેળવી લે.નાગરિકોને પણ અપીલ કરવામાં આવે છે કે ખરાબ ગુણવત્તાવાળા ખોરાકથી દૂર રહે અને આવા કિસ્સાઓની જાણ કરે.

