મોરબીના બાદનપર ગામના વતની અને હાલમાં મોરબીના શનાળા ગામે ગોકળદાસ પ્રાગજીવન જીન પાછળ ગોકુલનગરમાં રહેતા પ્રતિકભાઈ ઇશ્વરભાઈ કણઝરીયા દ્વારા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદ મુજબ, મોરબી-રાજકોટ હાઇવે બાની વાડી સામે આવેલ લાભ ગેરેજ નજીક ગત તા.02/02/2026ના રોજ પ્રતિકભાઈએ સ્કોર્પિયો કારના ચાલક પાસેથી મજૂરીના બાકી પૈસા માગ્યા હતા. તે સમયે સ્કોર્પિયો ચાલકે ‘પાછળ શેઠ આવી રહ્યા છે’ તેમ કહી વાત ટાળી હતી. થોડા સમય બાદ એન્ડોવર કાર (રજી. નં. GJ-03-LM-5634) નો ચાલક ત્યાં પહોંચ્યો અને ‘મને કોને ફોન કર્યો?’ તેમ કહી ગાળો આપવાનું શરૂ કર્યું હતું.
આ દરમિયાન એક અન્ય ફોરવ્હીલ કાર પણ સ્થળ પર આવી પહોંચી હતી. બન્ને કારમાંથી ત્રણથી ચાર અજાણ્યા વ્યક્તિઓ હાથમાં લાકડાના ધોકા તથા લોખંડના પાઈપ લઈને ઉતરી આવ્યા હતા અને ફરીયાદી પ્રતિકભાઇ તથા તેના સાથીઓ પર હુમલો કર્યો હતો. હુમલામાં પ્રતિકભાઈને જમણા હાથમાં ફ્રેક્ચર તથા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે તેમના સાથી ભાવેશભાઈને ડાબા હાથમાં ફ્રેક્ચર અને સાથી મેહુલભાઈને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી.
ફરિયાદના આધારે ટંકારા પોલીસે સ્કોર્પિયો કારના ચાલક, એન્ડોવર કારના ચાલક, અન્ય ફોરવ્હીલ વાહનના ચાલક, તેમજ ત્રણથી ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે.

