વડોદરા પંથકમાં આવતા 5 અભયારણ્યના મુલાકાતીઓ માટે સૌપ્રથમવાર વીમો આપવાનો નિર્ણય લેવાયો છે. સામાન્ય સંજોગોમાં અહીયા લગભગ 25,000થી પણ વધુ મુલાકાતીઓ આવતા હતા પણ, કોરોનાના કારણે અન્ય પ્રવાસન સ્થળોની માફક અહીંયા પણ પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો હતો. પ્રવાસીઓને ફરીથી આકર્ષવા અને આ અભયારણ્યના મુલાકાતીઓની સૂરક્ષાના હેતુથી વીમાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પાંચ ઈકો- કેમ્પસાઈટમાં જાંબુઘોડાના ધનપરી, શિવરાજપુરના ટારગોલ અને ભાટ, રત્નપંચમહાલના નાલદા અને ઉડલ મહુડાનો સમાવેશ થાય છે. અહીં સ્થાનિક મંડળીઓ એનું સંચાલન અને રક્ષણ કરે છે. આ મંડળીઓએ આ અભયારણ્યના મુલાકાતીઓ માટે વીમાની જાહેરાત કરી છે. મુલાકાતીઓએ પંચમહાલના જાંબુઘોડા, દાહોદના રતમહેલ કે શિવપુર સહિતના આ 5 અભયારણમાં જવા સમયે વધારે ડર નહીં રાખવો પડે.

અહીંના મુલાકાતીઓને અક્સ્માત વીમો આપવામાં આવશે. કોઈપણ જાતની અગમ્ય ઘટના બને તો પર્યટકોએ પોતાના ખિસ્સામાંથી ખર્ચવા નહીં પડે. આવો નિર્ણય લેવામાં વડોદરા વનવિભાગ રાજ્યનો પહેલો વિભાગ બનશે. સ્થાનિકો પોતાના ખર્ચે આ વીમો આપી રહ્યા છે. જે પણ મુલાકાતી કેમ્પનો ગેટ પાસ લે અથવા ઓનલાઈન બુકિંગ કરાવે તે આપોઆપ આ વીમાકવચ હેઠળ આવી જાય છે. આ વીમો કુદરતી આફત, પ્રાણીઓ દ્વારા હુમલા, સર્પદંશ અથવા કોઈ જનાવરના કરડવા બદલ આપવામાં આવશે, તેમ સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું.

