ટંકારા તાલુકાના વીરવાવ (ગણેશપર) ગામમાં આવેલી આશરે 5 વિઘા ખેતીની જમીન પર કથિત રીતે ગેરકાયદેસર કબજો જમાવી ખેતી કરીને આર્થિક લાભ મેળવવાના આક્ષેપ સાથે એક વ્યક્તિ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, રાજકોટના મોરબી રોડ વિસ્તારમાં રહેતા દમયંતીબેન કૈલાશભાઈ દેવડાએ વીરવાવ (ગણેશપર) ગામના આલજીભાઈ અમરાભાઈ ચાવડા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, દસ્તાવેજ નં. 115/2025 દ્વારા ખરીદ કરાયેલી ટંકારા તાલુકાના વીરવાવ (ગણેશપર) ગામના સર્વે નં. 569 પૈકી 23/2 હેઠળ આવતી અંદાજે 0-80-94 હેક્ટર (લગભગ 5 વિઘા) ખેતીની જમીન પર આરોપીએ ગેરકાયદેસર રીતે કબજો કરી વાવેતર કર્યું હતું, તેમજ જમીન પર પોતાનો કબજો જમાવી આર્થિક લાભ મેળવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદના આધારે ટંકારા પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

