અમદાવાદના એસજી હાઈવે પર નિરમા યુનિવર્સિટીની સામે નિર્માણાધીન ટ્રેમોન્ટ એડલીપ બિલ્ડિંગમાં 32મા માળે ક્રેન સાથે લટકીને 22 વર્ષીય યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. મોડી રાતથી યુવકનો મૃતદેહ લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં સોલા પોલીસ સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી.
મળતી માહિતી મુજબ, મૃતક યુવકનું નામ પ્રીતમસિંહ અને ઉંમર 22 વર્ષ હોવાનું સામે આવ્યું છે. પ્રીતમસિંહ છેલ્લા કેટલાક સમયથી આ નિર્માણાધીન સાઇટ પર ક્રેન ચલાવવાનું કામ કરતો હતો. મોડી રાત્રે તેણે ક્રેન સાથે લટકીને આપઘાત કરી લીધો હતો.
આસપાસના લોકોના જણાવ્યા મુજબ, સવારે આશરે 8 વાગ્યે તેઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે પણ યુવકનો મૃતદેહ 32મા માળે લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને નીચે ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એન. ભૂકણે જણાવ્યું હતું કે, એક વ્યક્તિનો મૃતદેહ લટકતી હાલતમાં હોવાનો મેસેજ મળતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ મૃતદેહને નીચે ઉતારવાની પ્રક્રિયા ચાલી રહી છે. યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે તપાસ હાથ ધરવામાં આવશે.

