નવી દિલ્હી, સોમવાર
ત્રણ વિવાદીત કૃષિ કાયદાઓની વાપસી સાથે સંબંધિત ખરડો લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે વિપક્ષના હંગામા વચ્ચે આ બિલને સંસદના પટલ પર રજૂ કર્યું હતું. વિપક્ષના હંગામા વચ્ચે આ બિલને લોકસભામાંથી પારીત કરવામાં આવ્યું હતું. લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ બિલ પર ગૃહમાં ચર્ચાની માગણી કરી છે. વિપક્ષના હંગામાને કારણે ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવું પડયું છે.
જોકે તેના પહેલા લોકસભાએ વિપક્ષના હંગામા વચ્ચે ત્રણ વિવાદાસ્પદ કાયદાઓને રદ્દ કરવા સંદર્ભેના કૃષિ વિધિ નિરસન વિધેયક-2021ને ચર્ચા વગર મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં આ કાયદાઓની વાપસીની ઘોષણા કરી હતી. તેમણે કહ્યુ હતુ કે અમે ક્યાંકને ક્યાંક કેટલાક ખેડૂતોને તેના ફાયદા સમજાવવામાં સફળ રહ્યા નથી.
આ પહેલા કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં પાર્ટીના સાંસદોએ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ સામે સોમવારે સંસદભવનના પરિસરમાં પ્રદર્શન કર્યું હતું. પરિસરમાં રહેલી મહાત્મા ગાંધીની પ્રતિમિ સમક્ષ એકત્રિત કોંગ્રેસના સાંસદો એક મોટું બેનર દેખાડી રહ્યાહતા. તેના પર અંગ્રેજીમાં લખ્યું હતું કે અમે કાળા કૃષિ કાયદાઓને પાછા લેવાની માગણી કરીએ છીએ। દેખાવોમાં કોંગ્રેસના પૂર્વ અધય્ક્ષ રાહુલ ગાંધી અને રાજ્યસભા તથા લોકસભાના સાંસદો સામેલ હતા. તેઓ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા હતા.
મહત્વપૂર્ણ છે કે ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને સરકાર પાછા લેવાની ઘોષણા કરી ચુકી છે. કોંગ્રેસનું કહેવું છે કે જ્યા સુધી ખેડૂતોના હિતોની સુરક્ષા નહીં થાય,પાર્ટી શાંત બેસશે નહીં. આ વચ્ચે સંસદના પહેલા દિવસે સવારે લોકસભા અને રાજ્યસભામાં દિવંગત પૂર્વ સાંસદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરાયા બાદ વિપક્ષના હંગામા વચ્ચે બંને ગૃહની કાર્યવાહીને થોડોક સમય માટે સ્થગિત કરવામાં આવી હતી.

