મોરબીના સરદાર પટેલ કન્યા છાત્રાલય ખાતે નિર્શીવ ફાઉન્ડેશન, કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ તેમજ ગોપાલભાઈ ચમારડીના સંયુક્ત આયોજન હેઠળ ભારતની એકતા અને અખંડિતતાના મસીહા, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પર આધારિત ભવ્ય અને દિવ્ય “સરદારકથા”નું આયોજન કરવામાં આવ્યું છે.
આ કથાનું આયોજન આજના લોકો તથા યુવાનો સરદારના જીવનની જાણી-અજાણી વાતોથી પરિચિત થાય એ શુભ હેતુથી રોહનભાઈ રાંકજા તથા આરતીબેન રોહનભાઈ રાંકજાના સંનિષ્ઠ પ્રયાસોથી કરવામાં આવ્યું છે. પ્રસંગે જાણીતા વક્તા શૈલેષભાઈ સગપરિયા પોતાની આગવી અને અનોખી શૈલીમાં સરદાર સાહેબના બાળપણ, અભ્યાસકાળ, વિદેશગમન, સફળ વકીલ તરીકેની કારકિર્દી, સ્વતંત્રતાની લડતમાં આપેલું મહત્વપૂર્ણ યોગદાન, ગાંધીજી સાથેનું ખભેખભું નેતૃત્વ, ખેડા તથા બારડોલી સત્યાગ્રહમાં ભજવેલી ઐતિહાસિક ભૂમિકા તેમજ તેમનો કુટુંબપ્રેમ અને મિત્રપ્રેમ વિષે વિસ્તૃત માહિતી શ્રોતાઓને આપી રહ્યા છે.
ઠંડીના માહોલ છતાં રાત્રે 12 વાગ્યા સુધી મોટી સંખ્યામાં શ્રોતાઓ કથાનો લાભ લઈ રહ્યા છે. શ્રોતાઓને ઠંડીમાં પણ સુખાકારી અનુભવાય એ માટે સીરામિક એસોસિએશન દ્વારા ગેસ સગડીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. “સરદારકથા” દરમિયાન ડો. જયંતિભાઈ ભાડેશીયા, આરએસએસના બ્રિજેશ મેરજા (પૂર્વ મંત્રી), ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, સીરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયા, હરેશભાઈ બોપલીયા, સંદીપભાઈ કુંડારીયા, નિલેશભાઈ જેતપરિયા, કે.જી. કુંડારીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કથાને સફળ બનાવવા રોહનભાઈ રાંકજા, આરતીબેન રાંકજા, ગોપાલભાઈ ચમારડી, એ.કે. પટેલ (ચેરમેન), ત્રમ્બકભાઈ ફેફર (ઉપ પ્રમુખ), બેચરભાઈ હોથી (પ્રમુખ) તથા કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, મોરબીના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

