મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કેસરબાગથી એલઈ કોલેજ તરફ જતો રસ્તો કામગીરીને કારણે બંધ કરાયો હતો. જેના પરિણામે વાહનચાલકોને વૈકલ્પિક રસ્તાઓથી અવરજવર કરવી પડતી હતી. આ પરિસ્થિતિને કારણે પોસ્ટ ઓફિસ સામે આવેલી રેલવે ફાટક પાસે રોજબરોજ ભારે ટ્રાફિક જામ સર્જાતો હતો. ટ્રેનોની સતત આવજાવના કારણે ફાટક વારંવાર બંધ અને ખુલ્લી થવાથી ટ્રાફિક વ્યવસ્થા ખોરવાતી હતી અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
હવે આ માર્ગનું કામ પૂર્ણ થતાં આજે મહાનગરપાલિકાએ સામાકાંઠા વિસ્તારમાં કેસરબાગથી એલઈ કોલેજ તરફ જતો રસ્તો ફરીથી જાહેર માટે ખુલ્લો મુક્યો છે. રસ્તો શરૂ થતા ફાટક પાસે રોજ સર્જાતી ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર રાહત મળશે. બંધ રહેલો માર્ગ ખુલતાં હવે વાહનચાલકોને અવરજવર માટે સરળ અને સીધો વિકલ્પ મળશે. ખાસ કરીને બ્રિજ નીચેથી કેસરબાગ મારફતે સામાકાંઠા વિસ્તાર, શોભેશ્વર રોડ તથા આસપાસના વિસ્તારોમાં જવા માટે આ માર્ગ વધુ ઉપયોગી બનશે.

