અનુસુચિત જાતિ અને જનજાતિના લોકોને અત્યાચાર માટે રક્ષણ આપતા એટ્રોસિટી ધારાના અમલીકરણ અંગે ગુજરાત હાઈકોર્ટે સીમા ચિહ્નરૂપ ચૂકાદો આપ્યો છે. મહેસાણા જિલ્લાના પતિ પત્ની વચ્ચે ડખા થતા કોર્ટકેસ થયો હતો. ગુજરાત હાઈકોર્ટે આ અંગે એક મોટું અને મહત્ત્વપૂર્ણ અવલોકન કરી ચૂકાદો આપ્યો છે. કોર્ટે અવલોકન કર્યું કે, કોઈ અનુસૂચિત જાતિ કે જનજાતિની મહિલાના લગ્ન સામાન્ય વર્ગ (જનરલ કેટેગરી)ના પુરુષ સાથે થાય તો તે એટ્રોસિટી એક્ટ અંતર્ગત મળતા લાભ મળવા પાત્ર નથી.
ગુજરાત હાઈકોર્ટે પતિ અને તેના પરિવારજનો સામે પત્નીએ કરેલા આક્ષેપ એવા કુકર્મ અંગે કોઈ પ્રકારની સ્વીકૃતિ આપી નથી. મહેસાણા જિલ્લમાં રહેતા એક યુગલે આ વર્ષે પ્રેમલગ્ન કર્યા હતા. પત્ની શિડ્યુલ કાસ્ટની હતી જ્યારે પુરૂષ જનરલ કેટેગરીમાંથી આવતો હતો. કદાચ આ જ કારણે બંનેમાંથી એક પણ પરિવારનો લોકો આ મેરેજ સ્વીકારવા તૈયાર ન હતા. પછી બંને અમદાવાદ આવી ગયા અને ભાડે રહેવા લાગ્યા. લગ્નના થોડા સમય બાદ બંને વચ્ચે તકરાર થવા લાગી હતી. એવામાં મહિલાએ એના પતિ સામે તથા સાસરિયા સામે મહેસાણાના સતલાસણા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની કલમ 3(1), આર), 3 (1) (એસ) અને 3 (2) (વીએ) ઉપરાંત ઈપીકોની કલમ 376 (2) (કે), 376 (2) (એન), 498, 323, 114 અંતર્ગત ફરિયાદ કરી હતી. પત્નીએ કરેલી ફરિયાદ સામે પતિએ ગુજરાત હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન કરી. આ મામલે અરજદારના એડવોકેટ હર્નિશ દરજીએ જણાવ્યું કે, ગુજરાત હાઈકોર્ટે ઊંડું અવલોકન કર્યું છે. અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલા સામાન્ય કેટેગરીના પુરુષ સાથે લગ્ન કરે તે બાદ તેને એટ્રોસિટી એક્ટની જોગવાઇ પ્રમાણેના લાભો અને અધિકારો મળવાપાત્ર રહેતા નથી. આ વાત કોર્ટે નોટ કરી છે. આ ઉપરાંત મહિલા એના પતિ સાથએ અમદાવાદમાં એકલી ભાડે રહેતી હતી. એવા કેસમાં પ્રાથમિક દ્રષ્ટિએ પતિ અને પરિવાર સામે મહિલાની દુષ્કર્મની ફરિયાદ અસ્થાને છે.
ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો છે કે, આ કેસમાં ગુજરાત હાઈકોર્ટની મંજૂરી વગર અરજદાર આરોપી સામે કોઈ ચાર્જશીટ ફાઈલ કરવામાં ન આવે. જો પોલીસ આ કેસની પૂરી તપાસ કરશે તો નવો રીપોર્ટ તૈયાર થશે. આ ઉપરાંત કોર્ટે પત્ની સામે નોટિસ ઈશ્યુ કરી છે. આ કેસમાં વધુ સુનાવણી માર્ચ 2022માં શરૂ કરવામાં આવશે.

