32 કરોડના હીરા ચોરી કેસમાં ફરિયાદી જ શંકાના ઘેરામાં છે. પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે. અગાઉ હીરા ચોરવા 5 ચોર બે રિક્ષા લઈને આવ્યા હતા. એક રિક્ષામાં 3 અને બીજી રિક્ષામાં 2 ચોર અને ગેસકટર સહિતનો સામાન હતો. 17 ઓગસ્ટ એટલે કે રવિવારની રાત્રે જ ડી.કે.સન્સ કંપનીમાં ચોરી થઈ હતી. રાત્રિના બે વાગ્યાની આસપાસ ચોરી બાદ સુરત રેલવે સ્ટેશને રિક્ષામાંથી ઉતરીને ચોર ફરાર થઈ ગયા હતા. તસ્કરો મુંબઈ અથવા રાજસ્થાન તરફ ભાગ્યા હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. જોકે આ કેસમાં નવો વળાંક આવ્યો છે, ફરિયાદી ડી.કે.સન્સના માલિકે દેવેન્દ્ર કુમાર ચૌધરીએ જ ચોરીનું તરકટ રચ્યું હતું. આમ ફરિયાદી જ આરોપી નીકળ્યો છે.

આ કેસમાં કોઈપણ પ્રકારના હીરાની ચોરી થઈ નથી. ચોરી માટેનું આ એક તરકટ રચવામાં આવ્યું હતું. તેના માટે પાંચ લોકોને આ ચોરી કરવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. આ ચોરી માટે દસ લાખ રૂપિયા આપવાના હતા. જે પૈકી ચોરીનું નાટક કરવા આવ્યા ત્યારે તેમને પાંચ લાખ રૂપિયા આપી દેવામાં આવ્યા છે. જ્યારે બીજા પાંચ લાખ હજુ આપવાના બાકી હતા. કાપોદ્રા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલ કાઢવામાં આવ્યો છે.
આ હીરા કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી છે. જે સુરતમાં ડીકે મારવાડી તરીકે ઓળખાય છે. આ સાથે જ તેઓ વરાછાના ખોડિયારનગર રોડના સૌથી મોટા હીરા વેપારી છે. કાઠીયાવાડી વિસ્તારમાં કાઠીયાવાડી હીરા વેપારીઓની વચ્ચે છેલ્લા 20 વર્ષથી હીરાની કંપની ચલાવે છે. ડી.કે.સન્સ કંપનીનું મુંબઈ અને વિદેશમાં મોટું કામ છે અને તેમનું અંદાજિત વાર્ષિક 300 કરોડનું ટર્નઓવર છે.

