ગોંડલમાં સામાજીક અને રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. જેને લઇને આજે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા, જિગીષા પટેલ અને ધાર્મિક માલવીયા આજે ગોંડલની મુલાકાત આવ્યા હતા. આ મુલાકાત સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાએ આપેલા પડકારને પગલે યોજાઈ હતી.
અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું અમે આખો દિવસ ગોંડલમાં રહીશું પરંતુ, તેઓ સવાર 10 વાગે આવ્યા અને સાડા અગિયાર વાગ્યે ગોંડલથી રવાના થઇ ગયા હતા. આ દરમિયાન તેમને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ મુલાકાત અલ્પેશ કથીરિયાએ ફરી એકવાર ગોંડલને મિર્ઝાપુર સાથે સરખાવ્યું હતું. આ સમગ્ર મામલે બંને પક્ષના સમર્થકો સામસામે આવી ગયા હતા. જાડેજા પરિવાર સમર્થકોએ કાળા વાવટા ફરકાવી અલ્પેશ કથીરિયાનો વિરોધ કર્યો હતો. તો બીજી તરફ અલ્પેશ કથીરિયાના સમર્થકોએ ગોંડલ મિર્ઝાપુર હોવાની વાતને સમર્થન આપ્યું હતું.
આ સમગ્ર પરિસ્થિતિને લઇ આજે જયરાજસિંહના નિવાસસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં જયરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે, તમે અણવર ન બનો આગામી ચૂંટણીઓમાં વરરાજા બનીને આવજો. આ ગોંડલની જનતા તમને બરાબર જવાબ આપશે.

