ટંકારા પંથકમાં આજે બે અકસ્માતના બનાવો બન્યા હતા. જેમાં બે યુવકના મોત નીપજ્યા, જ્યારે એકને ઈજા પહોચી હતી.
પ્રથમ બનાવમાં મોરબી-રાજકોટ હાઈવે પર ટંકારા નજીક ત્રિપલ સવારીમાં બાઈકમાં ત્રણ યુવાનો પસાર થઇ રહ્યા હોય તે દરમિયાન અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી હતી. જે અકસ્માતમાં શાહમદાર સમાલશા મહમદશા ઉ.વ.-19 અને શાહમદાર ઈરફાનશા હુશેનશા ઉ.વ.-24 નામના બે યુવાનના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા અને એક યુવાનને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. આ બનાવની જાણ થતા ટંકારા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મળતી માહિતી મુજબ ટ્રક ચાલકે બાઈકને ઠોકરે લીધા બાદ અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન મૂકી નાસી ગયા હતો.

બીજા બનાવમાં વહેલી સવારે ટંકારાના વીરપર નજીક વોલ્વો કારને અકસ્માત નડ્યો હતો. કાર રોડ સાઈડમાં દીવાલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. કારમાં મોટા પ્રમાણમાં નુકસાની સર્જાઈ હતી. વહેલી સવારે લોકોનું આ અકસ્માતગ્રસ્ત કાર ઉપર ધ્યાન પડતા અકસ્માતની જાણ થઈ હતી. જો કે અકસ્માત કેમ થયો અને કોઈને ઇજા થઈ છે કે નહીં તે અંગે હજુ કોઈ વિગતો મળી નથી.

