અમદાવાદ શહેર માં આવેલા નવરંગપુરા વિસ્તારમાં 3 શખ્સોએ એક નકલી આંગડિયા પેઢી ઊભી કરી હતી. અને એક જ્વેલર્સના શો-રૂમમાંથી 2100 ગ્રામ સોનું રોકડમાં ખરીદવાનું કહીને જ્વેલરી શો-રૂમના માલિકને રૂ 1.30 કરોડને અનુપમ ખેરના ફોટોવાળી નકલી નોટો પધરાવી દીધી હતી. આ અંગે સોની વેપારીએ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જે ફરિયાદ આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 1800 ગ્રામ સોના સાથે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.
આરોપીઓએ બોલિવૂડ ફિલ્મના શૂટિંગ માટે નકલી નોટની જરૂર છે અને ફિલ્મનો વિલન આ નોટો ઉડાવશે એમ કહીને ઝેરોક્ષની દુકાનમાં આ નોટો છપાવી હતી.આ બનાવ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા, પરંતુ પોતપોતાનો ભાગ લેવા જ્યારે પરત આવ્યા ત્યારે ક્રાઇમ બ્રાન્ચે આરોપી દીપક રાજપૂત, નરેન્દ્ર જાદવ અને કલ્પેશ મહેતાની ધરપકડ કરી હતી. આ આરોપીઓ પૈકી દીપકે બનાવ સમયે સરદારજીનો વેશ ધારણ કર્યો હતો. આરોપીઓ પૈકી કલ્પેશ મહેતાએ નકલી નોટની ડિઝાઇન તૈયાર કરી હતી. પોતાના છેતરપિંડીના પ્લાનને અંજામ આપવા માટે સી. જી. રોડ પર આવેલી એક ઝેરોક્સની દુકાનમાં આરોપીઓ 1.60 કરોડની નકલી નોટ છપાવવા માટે ગયા હતા અને આ નકલી નોટ પર અનુપમ ખેરનો ફોટો છપાવ્યો હતો. આરોપીઓ નોટ છપાવવા ગયા ત્યારે તેમણે ઝેરોક્સના દુકાનદારને એવું જણાવ્યું હતું કે બોલિવૂડના ફિલ્મના શૂટિંગ માટે નકલી નોટની જરૂરિયાત પડી છે. ફિલ્મમાં વિલન આ નકલી નોટો ઉડાવશે એ માટે આટલી મોટી સંખ્યામાં નકલી નોટો છાપવાની છે.

