હળવદ તાલુકાના કીડી ગામમા કચ્છ જેવા ભેદી રોગચાળાએ ભરડો લીધો હોય તેમ છેલ્લા 15 દિવસમાં ત્રણ બાળકોના મોત થયા છે જ્યારે અન્ય 15 જેટલા બાળકો હાલ સારવારમાં હોવાની તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા માહિતી મળી રહી છે.
મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદના બાદ પ્રસરેલી ગંદકીના કારણે રોગચાળાએ માથું ઉચક્યું છે તમાં પણ હળવદ પંથકમાં સ્થિતિ વધુ વકરી હોય તેમ લાગી રહ્યું છે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. ત્યારે હળવદ તાલુકાના કીડી ગામે ભેદી રોગચાળાએ અજગર ભરડો લીધો હોય તેમ છેલ્લા 15 દિવસમાં ત્રણ બાળકોના બીમારીના કારણે મૃત્યુ થયા છે.
હળવદના કીડી ગામની વસ્તી 1700ની છે જેથી નાના એવા ગામમાં પંદર દિવસમાં ત્રણ બાળકોના મૃત્યુ થતાં ગામમાં પણ ફફરાટ ફેલાયો છે.ગત તારીખ 28/8 ના રોજ આશિષ ઉંમર વર્ષ 11 નું મૃત્યુ થયું હતું જ્યારે 10-9-2024 ના રોજ જેન્સી ઉમર વર્ષ 2 અને 12/9/ 2024 ના રોજ ભાવેશ ઉંમર વર્ષ 10 નું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે.
જોકે બીજી તરફ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ધીરેન મહેતાએ જણાવ્યું હતું કે એક બાળક મેળામાં પડી ગયા બાદ તેને ઈજા પહોચતા તેનું મોત થયું હતું એક બાળકને અન્ય બીમારી હોવાનું તેમની તપાસમાં સામે આવ્યું છે 15 બાળકોની સારવાર ચાલી રહી હોય આ ઉપરાંત કીડી ગામમાં સફાઈ કામગીરી અને દવા છટકાવ કામ પણ કરાયું છે.

