૧૫ માર્ચ ૨૦૨૩,અમદાવાદ: વૈશ્વિક આધ્યાત્મિક નેતા અને માનવતાવાદી ગુરુદેવ રવિશંકરજીની ઉપસ્થિતિમાં ૧૫,૦૦૦ લોકો કર્ણાવતી ક્લબમાં હેપ્પીનેસ મહોત્સવમાં ભાગ લેવા ઉમટ્યા.
મહોત્સવના અંત સુધીમાં મેદની આનંદની લહેરોમાં ઝુમતી અને ગાતી જોવા મળી. મહોત્સવમાં ગુરુદેવે પોતાના મન અને લાગણીઓ સાથે કેવી રીતે વર્તવું અને ખુશ રહેવા માટેના વ્યવહારીક રસ્તાઓ વિશે વાત કરી.
ગુરુદેવે જણાવ્યું કે જીવનમાં લક્ષ્યો હાંસલ કરવા સ્વપ્રયત્નો તથા પ્રાર્થનાનું સંયોજન હોવું જરૂરી છે. તેમણે ઉમેર્યું, “દરેક ઘરમાં ધ્યાન થાય તે જરૂરી છે.કોઈ પણ ઘરમાં એક પણ વ્યક્તિ દુખી ના હોવી જોઈએ.કોઈ પણ આંખમાંથી એક પણ આંસુ ના આવવું જોઈએ.આ આપણી જવાબદારી છે.આ માટે દરેક વ્યક્તિને માનસિક રીતે મજબૂત બનવામાં પણ આપણે સહાય કરવી જરૂરી છે.જો મન મજબૂત હોય તો વ્યક્તિ કોઈ પણ તકલીફનો સામનો કરવા તૈયાર હોય છે. મનને મજબૂત બનાવતા પરિબળો છે- જ્ઞાન,ગાન અને ધ્યાન.”
પરિવારો મહામારીને લીધે થયેલી માનસિક સ્વાસ્થ્ય પરની અસરો તથા વધતા જતા તનાવ અને ચિંતા સામે ઝઝુમી રહ્યા છે ત્યારે આર્ટ ઓફ લિવિંગના સ્વયંસેવકો છેલ્લા ચાર મહિનાથી હજારો શહેરીજનો માટે હેપ્પીનેસ કાર્યક્રમોનું આયોજન કરતા આવ્યા છે.તેના પરિણામ સ્વરૂપે હેપ્પીનેસ મહોત્સવની ઉજવણી કરાઈ.છ મહિનાથી શહેરમાં ‘આઝાદીકા અમૃત મહોત્સવ’ના ભાગ રૂપે ‘હર ઘર ધ્યાન’ ના કાર્યક્રમ તરીકે નિ:શુલ્ક ધ્યાનના સેશન કરવામાં આવ્યા,જેમાં હજારો લોકો ઉત્સાહથી જોડાયા હતા.
આ અઠવાડિયામાં અગાઉ ગુરુદેવે સૂરતમાં ૧ લાખની વિશાળ મેદની સાથે સત્સંગ પણ કર્યો હતો જેમાં ભક્તો ભક્તિમય સંગીત તથા આધ્યાત્મિક જ્ઞાનમાં તરબોળ થઈ ગયા હતા.

