પતિ બ્રેઇનડેડ થયાની જાણ થતા બીજી જ સેકન્ડે પત્નિએ કહ્યું “અંગદાન કરવું છે”
મૃગેશ બ્રેઇનડેડ જાહેર થતા પરિવારે અંગદાનનો આવકારદાયક નિર્ણય લીધો. 39 વર્ષના મૃગેશભાઇના હ્રદય, ફેફસા, બે કિડની અને લીવરનું દાન કરવામાં આવ્યું.
માથાના ભાગે ગંભીર ઇજા થતા મૃગેશભાઇ શર્માને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં ૪૮ કલાકની સધન સારવાર અને તબીબોના અથાગ પ્રયત્નો બાદ પણ પ્રભુને ગમ્યુ તે જ થયું…૧૧ મી ફ્રેબુઆરી શનિવારની રાત્રે તબીબો દ્વારા મૃગેશભાઇને બ્રેઇનડેડ જાહેર કરાયા .
આ ક્ષણે તેમના બનેવી ધર્મેન્દ્રભાઇ ત્રિવેદી હોસ્પિટલમાં હાજર હતા. તબીબોએ તેમને અંગદાન અંગેની સમજ આપી. ત્યારબાદ તેમણે મૃગેશભાઇના ધર્મપત્ની નેહલબેન શર્માને તરત ફોન કર્યો અને કહ્યું આપણા મૃગેશભાઇ બ્રેઇનડેડ થયા છે અને ડૉક્ટર અંગદાનનું કહે છે..
નેહલબેને ક્ષણનો પણ વિલંબ કર્યા વિના બીજી જ સેકન્ડે કહ્યું ,બધા જ અંગોનું દાન કરવું છે”
સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધી ૧૦૨ અંગદાન થયા છે. પરંતુ બ્રેઇનડેડ મૃગેશભાઇ શર્માના પત્નીએ અંગદાન માટે આપેલી સંમતિ ઐતિહાસિક છે. સામાન્યપણે તબીબો દ્વારા પરિવારજનોને અંગદાન માટે સમજાવવામાં આવે ત્યારે સંમતિ માટે સમય લાગતો હોય છે. પરંતુ અંગદાનની જાગૃકતા અને અન્ય વ્યક્તિઓને મદદરૂપ થવાની ભાવનાના પરિણામે અંગદાન માટેની જાણ થતા બીજી જ સેકન્ડે નેહલબેને અંગદાનનો નિર્ણય કર્યો.

