હળવદ પોલીસની ટીમે શહેરમાં ફરતા એક શંકાસ્પદ યુવકની પૂછપરછ કરતા તે બાંગ્લાદેશનો હોવાનો ખુલાસો થયો છે. યુવક પાસેથી બાંગ્લાદેશી ભાષામાં લખેલી એક ચિઠ્ઠી પણ મળી આવી હતી. તેમજ યુવક પાસે પાસપોર્ટ, વિઝા સહિતના કાગળો ન હોવાથી તેને ગેરકાયદેસર ભારતમાં ઘૂસણખોરી કરી હળવદ પહોંચ્યો હોવાનું સામે આવતા તેની સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
26મી જાન્યુઆરીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. અને જે અનુસંધાને હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે ગત રાત્રીના સમયે દરબારનાકા પાસે એક શંકાસ્પદ યુવક ફરતો હતો. જેને પોલીસે રોકીને પૂછપરછ કરતા તે બાંગ્લાદેશી હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી પોલીસ દ્વારા તેને પોલીસ મથકે લાવીને સઘન પૂછપરછ કરતા તેની પાસેથી બાંગ્લાદેશી ભાષામાં લખેલી એક ચિઠ્ઠી પણ મળી આવી હતી. ત્યારબાદ યુવકની કુંડળી કાઢવા મોરબી એસઓજીની ટીમ પણ તપાસમાં જોતરાઈ હતી. પરંતુ તે બાંગ્લાદેશી ભાષામાં વાત કરતો હોવાથી તેની ભાષા જાણતા વ્યક્તિને બોલાવી તેની પૂછપરછ કરતા તેનું નામ તુહજલ ઉર્ફે ડેવિડ રવી હોવાનું સામે આવ્યું છે. મૂળ રહે. બાંગ્લાદેશી હોવાનો ખુલાસો થયો છે. જેમાં તેની પાસેથી પાસપોર્ટ, વિઝા, સહિતના કાગળો મળ્યા ન હતા. અને તે ગેરકાયદેસર ભારતમાં ઘૂસણખોરી કરી રહેતો હતો. અને અલગ અલગ રાજ્યમાં ફરીને તે હળવદ પહોંચ્યો હતો. જેથી પોલીસે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરી રહેતા બાંગ્લાદેશી ઇસમ વિરૂદ્ધ ફોરેનર એક્ટ ૧૯૪૬ કલમ ૧૪ A(a)(b) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી છે. આ કામગીરીમાં હળવદ પીઆઇ એમ.વી.પટેલ, મોરબી એસઓજી પીઆઈ એમ.પી પંડ્યા તેમજ હળવદ પોલીસ અને મોરબી એસઓજીનો સ્ટાફ જોડાયો હતો.

