ઇન્ડોનેશિયાનો સૌથી ઊંચો જ્વાળામુખી માઉન્ટ સેમેરુ 4 ડિસેમ્બર 2022ના રોજ અચાનક ફાટી નીકળ્યો હતો. 12 હજાર ફૂટ ઊંચા પર્વતની ટોચ પરથી એટલો લાવા, ગરમ રાખ અને વાયુઓ નીકળ્યા કે તે જ્વાળામુખીની ખીણમાં સ્થિત ગામડાઓમાં ખેતરોમાં પહોંચી ગયા.જેના લીધે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.લાવાની નદીઓ વહેતી હતી. માઉન્ટ સેમેરુ જ્વાળામુખી ઘણા દિવસોથી ધીમે ધીમે ધૂંધળી રહ્યો હતો. પરંતુ કમોસમી વરસાદને કારણે તેનો લાવા ડોમ તૂટી ગયો હતો. જેના કારણે ગરમ રાખ, ગેસ અને લાવાની નદીઓ ઘણા કિલોમીટર સુધી ઝડપથી વહી રહી હતી.

ઈન્ડોનેશિયાની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના પ્રવક્તા અબ્દુલ મુહારીએ જણાવ્યું હતું કે જ્વાળામુખીની આસપાસના કેટલાક ગામો રાખના ઢગલામાં ઢંકાયા છે. ધુમાડા અને રાખના કારણે આકાશ કાળું થઈ ગયું છે. લોકોને દિવસ દરમિયાન પણ લાઇટ ચાલુ રાખવી પડે છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હજુ પણ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
માઉન્ટ સેમેરુ રાજધાની જકાર્તાથી 800 કિમી દક્ષિણપૂર્વમાં સ્થિત જાવામાં આવેલું છે. જાવામાં ઘણા જ્વાળામુખી જે સક્રિય છે. પરંતુ માઉન્ટ સેમેરુ સૌથી ખતરનાક અને સૌથી ઉંચો જ્વાળામુખી છે. માત્ર ઇન્ડોનેશિયામાં જ 121 સક્રિય જ્વાળામુખી છે. ગયા વર્ષે પણ માઉન્ટ સેમેરુમાં વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ તેના લાવા, ગરમ ગેસ અને રાખને કારણે 51 લોકોના મોત થયા હતા. 10,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા પડ્યા હતા.
આ વખતે વિસ્ફોટથી નીકળેલી રાખ, ગરમ ગેસ અને લાવાની નદીઓ પહાડની નીચે 8 કિલોમીટર સુધી વહીને આવી હતી. સ્થાનિક લોકોને 20 કિલોમીટર દૂર આવેલી શાળામાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં સરકાર દ્વારા ખોરાક, પાણી અને દવાઓ વગેરે આપવામાં આવે છે. હાલમાં જ્વાળામુખીના જોખમી ક્ષેત્રમાં લગભગ 3 હજાર ઘરો છે. અહીં રહેતા તમામ લોકોને સલામત સ્થળે પહોંચાડી દેવાયા છે.

