હળવદ શહેરમાં થોડા સમય શાંતિનું વાતાવરણ રહ્યાં બાદ ફરી શાંતિ ભંગ થાય તેવી ઘટના સામે આવી છે. જેમાં મોડી રાત્રે ફટાકડાનો સ્ટોલ રાખવા બાબતે ફટાકડી લઇને આવેલા શખ્સે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. હળવદની સરા ચોકડી પાસે આ બનેલી ઘટનામાં હળવદ પોલીસના પીએસઆઇએ સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જોકે હવામાં ફાયરિંગ કરનાર પિસ્તોલ ક્યાંથી આવી અને જાહેરનામાનો ભંગ કરનાર શખ્સને કાયદાનો ડર ના હોય અને રાજકીય ફાંકો ધરાવતો શખ્સ સામે કેવા પ્રકારની કાર્યવાહી થશે તે સમય આવ્યે ખ્યાલ આવશે
હળવદની સરા ચોકડી પાસે આવેલ અટલ બિહારી બાજપાઈ સિનિયર સિટીઝન પાર્ક બહાર ગેરકાયદેસર રીતે સ્ટોલ રાખવા બાબતે રવિવારે મોડી રાત્રે મારામારીની ઘટના બની હતી. જેમાં બન્ને જુથો હથિયારો લઇને ધસી આવ્યા હતા. જ્યારે એક જૂથ દ્વારા પિસ્તોલ જેવું હથીયાર કાઢીને ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. જેમાં બે રાઉન્ડ ફાયરિંગ થયા હતા. ત્યારે હળવદ પોલીસના પીએસઆઇ કિરતસિંહ જેઠવા દ્વારા સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જોકે આ ઘટનામાં આર્મ્સ એક્ટ અને જાહેરનામા ભંગ સહિતની કલમોનો ગુનો નોંધાયો છે. ત્યારે હળવદ પોલીસ દ્વારા રાજકીય ફાંકો ધરાવતા પંકજ ગોઠી સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. તો આ શખ્સ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. જ્યારે અવાર નવાર હળવદ શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ પણ કરે છે. ત્યારે આવા શખ્સ સામે હળવદ પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરશે. જોકે રવિવારે મોડી રાત્રે બનેલી આ ઘટનામાં હળવદ પોલીસે ઘટનાસ્થળેથી એક દેશી બનાવટના હથિયારમાંથી ફાયર થયેલ રાઉન્ડનું પિતળનું ખાલી ખોખુ અને એક મિસ ફાયર થયેલ કાર્તિસ મળી આવ્યો હતો. જે બનાવના પગલે હળવદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ રાજકીય રીતે પાવરધી બન્ને પક્ષોને પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે એ તો સમય બતાવશે તો સાથે ઘટનાને પગલે મોરબી જિલ્લા ડીવાયએસપી હળવદ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
હળવદમા ફાયરિંગની ઘટનામાં હળવદ પીએસઆઇ કે એન. જેઠવા ફરિયાદી બની જાહેર બખેડો કરી ફાયરીંગ કરનાર પંકજ ચમનભાઈ ગોઠી, ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ચમન ગોઠી, મેહુલ રમણિક ગોઠી, મેરો ઉર્ફે મેરિયો પ્રેમજીભાઈ દલવાડી, ગૌતમ ઉર્ફે ગોવલો જયંતીભાઈ ગોઠી, દિલીપસિંહ જયુભા ઝાલા અને સિદ્ધરાજસિંહ ગેલુભા ઝાલા વિરુદ્ધ આઇપીસી કલમ 307, 308, 143, 144 આર્મ્સ એકટ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

