આપણા ઘરે યોજાયેલા યજ્ઞમાં બ્રાહ્મણ ધાર્મિક વિધિ કરતાં કરતાં તે વિધિ નું વૈજ્ઞાનિક મહત્વ સમજાવે તો કેવું લાગશે? તમારા ઘરે ધાર્મિક પ્રસંગે બ્રાહ્મણ કર્મકાંડ કરવા આવે અને રાતના સમયે તમને ટેલિસ્કોપ થી રાશિઓ, નક્ષત્રો અને ગ્રહો બતાવે તો કેવું લાગશે? લગ્ન પ્રસંગ હોય અને બ્રાહ્મણ નવદંપત્તિને ધ્રુવનો તારો તેમજ અરુન્ધતી અને વશિષ્ઠ તારા નું લગ્નજીવનમાં તેમજ ખગોળશાસ્ત્રમાં મહત્વની વાત કરશે તો તમને કેવું લાગશે? તમારા ઘરે બ્રાહ્મણ પૂજા વિધિ કરતી વખતે સંસ્કૃતના શ્લોક નું વૈજ્ઞાનિક અર્થઘટન કરશે તો કેવું લાગશે?આશ્ચર્યની વાત લાગે છે ને? પણ
હવે એ દિવસો દૂર નથી. કારણ કે ગુજરાતની 25 થી વધુ સંસ્કૃત પાઠશાળાઓમાં હવેથી સંસ્કૃત, કર્મકાંડ, ટેમ્પલ મેનેજમેન્ટ જેવા વિષયોમાં અત્યાર સુધી ખગોળશાસ્ત્ર અને વૈદિક ગણિત નો સમાવેશ કરેલો હતો જ. પરંતુ તેનું પ્રાયોગિક જ્ઞાન આપી શકાતું ન હતું. થોડા સમય પહેલા ગુજરાતના જુદી જુદી જગ્યાએ આવેલી સંસ્કૃત પાઠશાળાના ગુરુદેવોએ નક્કી કર્યું કે આપણી પાઠશાળામાં અભ્યાસ કરવા આવનારા ઋષિ કુમારોને હવે પારંપરિક જ્ઞાનની સાથે સાથે લેટેસ્ટ ટેકનોલોજી થી પણ તેઓ અવગત થાય.
આ હેતુને પાર પાડવા માટે ખગોળશાસ્ત્ર માં આવતા જુદા જુદા ટેલિસ્કોપ, બાયલોક્યુલર,પૃથ્વીના ગોળા, એસ્ટ્રોનોમિકલ સોફ્ટવેર,જુદા જુદા એસ્ટ્રોનોમિકલ મોડલ, ગણિતના મોડલ, યજ્ઞ કુંડના મોડલ તેમજ યજ્ઞશાળા ના મોડલ બનાવવાનું અને તેની ટ્રેનિંગ આપવાની જવાબદારી અમને સોંપવામાં આવી. સમગ્ર ગુજરાતની પાઠશાળાના આચાર્યશ્રીઓ આ ટ્રેનિંગ માટે અમદાવાદ ખાતે આવેલા નીલકંઠ અખાડા સંચાલિત શ્રી હીરાપુરીજી સંસ્કૃત મહાવિદ્યાલય માં એકઠા થયા.
અમદાવાદમાં રહેતો હોવા છતાં નીલકંઠ અખાડા ની મુલાકાત મેં ક્યારેય લીધી ન હતી. એક સમયે એરપોર્ટ સુધીની જમીન તેમજ સિવિલ હોસ્પિટલની જમીન પણ જેના કબજામાં હતી તે નીલકંઠ અખાડા ની મુલાકાત એક વાર અવશ્ય લેવા જેવી છે. અખાડા ની જમીન સીવીલ હોસ્પિટલ બનાવવા માટે તેમજ એરપોર્ટ બનાવવા માટે સરકારને આપવી એ ખૂબ જ મોટી વાત છે. અખાડામાં શું હોય એવો મનમાં પ્રશ્ન થાય ત્યારે અહીં આવીને જુઓ તો ખ્યાલ આવે. આ જગ્યાએ સંસ્કૃત વિદ્યાલય,ભવ્ય નીલકંઠ મહાદેવ, ભૂતકાળમાં અહીં સેવા આપનાર અખાડાના મહંતોની સમાધી,ગૌશાળા વગેરે ની મુલાકાત લેવા જેવી છે. સંસ્કૃત વિદ્યાલય માં આધુનિક કોમ્પ્યુટર લેબ વિશાળ લાઇબ્રેરી કોન્ફરન્સ રૂમ તેમજ હોસ્ટેલની સુવિધા પણ છે. અહીંની ભોજન શાળામાં અહીંની ગાયોનું દૂધ અને ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. જમણવાર માટે પંગત બેસો ત્યારે મહંત પણ એ પંગતમાં બધાની સાથે ભોજન લે છે.
આમ કરવાથી ભોજનની ગુણવત્તા જળવાય છે કે નહીં તેનું ધ્યાન રાખે છે. ભોજન પહેલા ઋષિ કુમારો દ્વારા થયેલી પ્રાર્થના માં ભાગ લેવાનો મોકો ગુમાવવા જેવો નથી. શ્રાવણ મહિનામાં અહીં ભવ્ય મેળાનું આયોજન થાય છે. લોક સેવાનું આવું કાર્ય બદલ નીલકંઠ અખાડાના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે.હવે જ્યારે તમારા ઘરે આવા કોઈ કર્મકાંડી
બ્રાહ્મણ પધારે ત્યારે તેને માત્ર મહારાજ છે એવું ન સમજતા. તે વિદ્વાન છે. ખગોળશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને અન્ય વિજ્ઞાનના સિદ્ધાંતોનો પણ જાણકાર છે એમ સમજીને એમની પાસેથી જરૂરી જ્ઞાન ની પ્રાપ્તિ કરવાનું ચૂકતા નહીં.