ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ લડવા કોંગ્રેસ તૈયાર છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 5મી સપ્ટેમ્બરે અમદાવાદ આવીને રિવરફ્રન્ટ પર ચૂંટણીનું રણશીંગુ ફુંકશે. 52000 બુથ પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે. તે ઉપરાંત પ્રભારી સહિતના પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરશે. કોંગ્રેસની નબળાઈ કે નબળા દેખાવ માટે ઉમેદવાર પસંદગી પ્રક્રિયામાં ઢીલ, બુથ લેવલે નબળા મેનેજમેન્ટ જેવા કારણો માલુમ પડયા હતા તેને ધ્યાને રાખી પાર્ટીએ પ્રથમ વખત બુથ મેનેજમેન્ટ પર ભાર મુકયો હતો.
દરેક બેઠક પર નજર: કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં તમામ વિધાનસભા બેઠકો પર પદયાત્રા યોજશે. તે ઉપરાંત દરેક વિધાનસભા વિસ્તારમાં પરિવર્તન સંકલ્પ પદયાત્રાનું પણ આયોજન કરવામાં આવશે. આગામી 1 અને 2 સપ્ટેમ્બરે અલગ-અલગ વિસ્તારોમાં આ પદયાત્રા યોજાશે. અમદાવાદની 8 વિધાનસભામાં 1 સપ્ટેમ્બરે કોંગ્રેસ પદયાત્રા યોજાશે. 2 સપ્ટેમ્બરે પણ 8 વિધાનસભામાં પરિવર્તન સંકલ્પ પદયાત્રા યોજાશે.પદયાત્રાના માધ્યમથી કોંગ્રેસે કરેલા કાર્યો લોકો સુધી પહોંચાડાશે.
કામ બોલે છે: ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે કોંગ્રેસે ‘કોંગ્રેસનું કામ બોલે છે’ શિર્ષક હેઠળ ‘બોલો સરકાર’ કેમ્પેઇન લોન્ચ કર્યું છે. આ કેમ્પેઈન અંતર્ગત કોંગ્રેસ કોંગ્રેસની સરકારમાં થયેલા કામની માહિતી લોકો સમક્ષ પહોંચાડી રહી છે.

