પીએમ નરેન્દ્ર મોદી ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ’ થીમ પર આધારિત ‘ડિજિટલ ઈન્ડિયા વીક ૨૦૨૨’નો આજ તા. ૪ જુલાઈ, ૨૦૨૨ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી દેશવ્યાપી શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના હસ્તે ટેકનોલૉજીના માધ્યમ દ્વારા જનસુખાકારીના લાભો નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે અનેકવિધ નવીન ડિજિટલ પહેલ દેશવાસીઓ માટે ખુલ્લી મુકશે.
શુભારંભ: આ કાર્યક્રમમાં વિવિધ ડિજિટલ પહેલ જેવી કે ‘ઇન્ડિયાસ્ટેક ગ્લોબલ’, ‘માય સ્કીમ’, ‘મેરી પહેચાન’, ‘ડિજિટલ ઇન્ડિયા ભાષિની’, ‘ડિજિટલ ઇન્ડિયા જેનિસિસ’, ‘ચીપ્સ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ’ તથા ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડની ઇ-બુક’નો પ્રધાનમંત્રીના હસ્તે શુભારંભ કરવામાં આવશે.

તક નિર્માણ: ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૨ની ઉજવણી અંતર્ગત મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે તા. ૪થી ૬ જુલાઈ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ડિજિટલ ઈન્ડિયાની વર્ષગાંઠની ઉજવણી કરાશે તથા આધાર, યુપીઆઈ, કૉ-વિન, ડિજિલૉકર જેવા જાહેર ડિજિટલ પ્લેટફોર્મ મારફત નાગરિકોને સરળતાથી સેવા મળી રહે તે અંગેની જાણકારી આપતું પ્રદર્શન યોજાશે. આ ઉપરાંત ટેકનોલૉજીના વિવિધ પ્લેટફોર્મ થકી ભારતવાસીઓને મળતી સુવિધાઓના લાભો અંગેનું તકનીકી કૌશલ્યનું પ્રદર્શન વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરાશે. તેમજ આવનારી પેઢી માટે ડિજિટલ માધ્યમ થકી રોજગારીની કેવી તકોનું નિર્માણ થઈ શકે તે માટે પણ ચર્ચા થશે.

