નેપાળના પર્યટનમથક પોખરાથી રવિવારે સવારે 9.55 વાગ્યે રવાના થયેલા વિમાને ટેઇક ઑફ્ફ પછી 12 મિનિટ બાદ ઘોરેપની પરથી પસાર થતું હતું ત્યારે ઍર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક ગુમાવ્યો હતો. તારા ઍરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાન પહાડના ખડક જોડે ટકરાતાં તેના ટુકડા થઈ ગયા હતા. એ સંજોગોમાં પ્રવાસીઓના મૃતદેહો પહાડ પર અનેક ઠેકાણે વિખરાઈ પડ્યા હતા.
રેસ્ક્યું ઓપરેશન: 10 મૃતદેહોને કાઠમંડુ અને 11 મૃતદેહોને રેસ્ક્યુ ઑપરેશન બેઝ કૅમ્પમાં લાવવામાં આવ્યા હતા. તારા ઍરના પ્રવક્તા સુદર્શન બરતાઉલાએ સર્ચ ઍન્ડ રેસ્ક્યુ ટીમોની કામગીરી સોમવારે મોડે સુધી ચાલતી રહી હોવાનું જણાવ્યું હતું. નેપાળનાં રાષ્ટ્રપ્રમુખ બિદ્યાદેવી અને વડા પ્રધાન શેરબહાદુર દેઉબાએ દુર્ઘટના બદલ શોક વ્યક્ત કર્યો હતો અને તેમાં મૃત્યુ પામેલા મુસાફરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પહાડમાં કાટમાળ: નાના કદનું ટ્વિન ઓટ્ટર ૯એન-એઇટી પ્લેન નેપાળના પહાડોમાં તૂટી પડતાં મૃત્યુ પામેલા બાવીસ જણમાં મુંબઈ પાસે થાણેના રહેવાસી ચાર જણના પરિવારનો સમાવેશ છે. દુર્ઘટના પછી થોડા કલાકો બાદ વિમાનનો બળતો કાટમાળ શોધી કાઢવામાં આવ્યો હતો. નેપાળના સંબંધિત પહાડી વિસ્તારમાં કેટલાક દિવસોથી આકાશમાં વાદળાં અને વરસાદના માહોલમાં હવામાન સાવ ખરાબ છે.

તૂટ્યું વિમાન: રવિવારે સવારે નેપાળમાં પોખરાથી જોમસોમ તરફ જતાં તૂટી પડેલા તારા ઍરલાઇન્સના વિમાનમાં પ્રવાસ કરતા ૨૨ જણમાંથી ૨૧ના મૃતદેહો મુસ્તાંગ જિલ્લામાંથી બચાવ અને રાહત ટુકડીઓએ મેળવ્યા હોવાનું નેપાળના મુલકી ઉડ્ડયન મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું. એક જણની શોધ ચાલે છે. સિવિલ ઍવિયેશન ઑથોરિટી ઑફ નેપાલના ડિરેક્ટર જનરલ પ્રદીપ અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે વિમાન મુસ્તાંગ જિલ્લામાં ૧૪,૫૦૦ ફૂટની ઊંચાઈ પરના થસાંગ-ટુ શિખરની પાસે તૂટી પડ્યું હતું.

