દેશના સૌથી મોટા બેંક કૌભાંડ એબીજી શિપયાર્ડ કેસમાં ઈડીની તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ઈડીએ મુંબઈ, પુણે અને સુરતમાં આવેલી એબીજી શિપયાર્ડના 26 સ્થળોએ દરોડા પાડ્યાં છે. આ સર્ચ ઓપરેશનમાં સુરત સ્થિત એબીજી શિપયાર્ડ અને તેના ભૂતપૂર્વ પ્રમોટર્સ ઉપર 28 બેંકોના કન્સોર્ટિયમ સાથે રૂપિયા 22, 842 કરોડની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે.

આ મહિનાની શરૂઆતમાં એજન્સીએ શિપિંગ કંપનીના ભૂતપૂર્વ ચેરમેન ઋષિ અગ્રવાલની પૂછપરછ પણ કરી હતી. એજન્સીના અધિકારીએ ખાનગી ધોરણે જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશનમાં મુંબઈમાં લગભગ 24 સ્થળો અને પુણે અને સુરતમાં એક-એક સ્થળોને આવરી લેવામાં આવ્યા છે.

આ તપાસ આવતીકાલે પણ ચાલુ રહેશે તેમ અધિકારીએ ઉમેર્યું હતુ. ઈડીને આશંકા છે કે કંપનીના ચોપડેથી પ્રમોટર અને ટોચના અધિકારીઓએ પૈસાની ચોરી કરી છે. ફંડ ડાયવર્ઝન કરીને કંપનીના પૈસા શેલ કંપનીઓમાં ટ્રાન્સફર કર્યા છે.

સીબીઆઈની ફરિયાદ અને ફોરેન્સિક ઓડિટ રિપોર્ટને આધારે ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. એબીજી ઉપર આઈસીઆઈસીઆઈ બેન્કની આગેવાની હેઠળની 28 બેન્કોના કન્સોર્ટિયમ સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે.

જેમાં આઈસીઆઈસીઆઈ બેંકનું સૌથી વધુ રૂ. 7089 કરોડનું એક્સ્પોઝર છે. ત્યારબાદ આઈડીબીઆઈ બેન્ક રૂ. 3,639 કરોડ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા રૂ. 2,925 કરોડ, બેન્ક ઓફ બરોડા રૂ. 2,925 કરોડ અને પંજાબ નેશનલ બેન્ક રૂ. 1,244 કરોડના બાકી લેણાં છે.

