ગુજરાત રાજ્યમાં ચૂંટણીના પડઘમ શરૂ થઈ ગયા છે. જુદા જુદા જિલ્લાઓમાં બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. એવામાં વાવડ એવા મળી રહ્યા છે કે, ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ સાથે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ તા.21 એપ્રિલના રોજ ગુજરાતમાં આવી રહ્યા છે. અમદાવાદ આવીને તેઓ બે દિવસનું રોકાણ કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ખાસ મુલાકાત કરવાના છે. આ ઉપરાંત રાજ્યના મંત્રીમંડળ સાથે તેઓ બેઠક કરવાના છે. સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજીને મહત્ત્વના મુદ્દાઓ અંગે ચર્ચા કરે એવી ચોક્કસ સંભાવના વ્યક્ત થઈ રહી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે રણનીતિ તૈયાર કરી લીધી છે. નવી સરકાર સત્તા પર આવ્યા બાદ ગુજરાત રાજ્યમાં આ પહેલી વિધાનસભાની ચૂંટણી થવાની છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા નરેશ પટેલ અને બીજા કહેવાતા ચહેરા અંગે ચોક્કસ વિચારણા થશે. આ ઉપરાંત જુદા જુદા જિલ્લાઓ માટે કમિટીનું ગઠન થશે.

આ સાથે ભાજપના રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પણ ગુજરાતની મુલાકાત લઈ શકે છે. ખાસ કરીને ચૂંટણી પ્રચાર શરૂ થયા બાદ મહાનગરમાં જાણીતા પ્રચારકો સક્રિય થાય એવા એંધાણ દેખાઈ રહ્યા છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને રાજકીય દ્રષ્ટિકોણથી જોવાઈ રહી છે. ખાસ કરીને પક્ષના હોદ્દેદારો અને પદાધિકારીઓ સાથે વિકાસના કામ-પ્રોજેક્ટ સિવાય મુલાકાત થયા બાદ રાજકીય હેતુંથી સંપર્ક અને બેઠકો કરાઈ છે. ગાંધીનગરમાં વડાપ્રધાનની મુલાકાત બાદ બેઠકનો ધમધમાટ વધે એવી ચોક્કસથી સંભાવના વ્યક્ત થઈ રહી છે. બીજી બાજું સૌરાષ્ટ્રમાં જુદા જુદા વિસ્તારમાં પ્રભાવ ઊભો કરવા માટે કવાયત થઈ રહી છે.
ખાસ કરીને કચ્છથી લઈને ભાવનગર સુધીના પંથકમાં ભાજપ એક ચોક્કસ રણનીતિ હેતું કામ કરે એવું રાજકીય સુત્રો કહી રહ્યા છે. વડાપ્રધાનની મુલાકાત બાદ પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી જુદા જુદા જિલ્લાઓમાં મુલાકાત કરે એવા એંધાણ છે. ડીસેમ્બર મહિનામાં ચૂંટણી થાય એવું હાલમાં દેખાઈ રહ્યું છે. ભૂપેન્દ્ર પટેલ પાસે રાજ્યની સાથોસાથ પક્ષની જવાબદારી પણ મોટી છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સત્તા પક્ષે યથાવત રાખવા માટે એમની ક્યાંક કસોટી થવાની છે. વાત એવી પણ સામે આવી છે કે,ભાજપ યુવા નેતાગીરીને સમર્થન આપીને કેટલાક નવા ચહેરાને ટિકિટ આપી મેદાને ઊતારી શકે છે. એક વાત ચોક્કસ છે કે, ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળશે.

