બે દિવસ પૂર્વે આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસના બે નગરસેવકો જોડાયા હતા. ત્યારે આજે શહેર કોંગ્રેસ પ્રમુખે બંને સામે નોટીસ ઈસ્યુ કરીને બંનેને બે દિવસમાં કોર્પોરેટરના પદ ઉપરથી રાજીનામું આપવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. નહીં તો પક્ષાંતરણ વિરોધી ધારા હેઠળ કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

રાજકોટના વોર્ડ નં.15ના કોંગ્રેસના બે કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલબેન ભારાઈ બે દિવસ પૂર્વે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જેના પગલે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદીએ બંને સામે નોટિસ ઇસ્યુ કરી છે. જેમાં લખવામાં આવ્યું છે કે વશરામભાઈ અને કોમલબેન તમે બંને કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટાઇને કોર્પોરેટર બન્યા છો. હવે આપમાં જોડાતા કોર્પોરેટરના પદ પરથી રાજીનામું આપી આપમાંથી ચૂંટણી લડો. બાકી ડિસક્લોલિફાઇડ કરવામાં આવશે.

નોટિસમાં વધારેમાં જણાવ્યું છે કે, તમોએ રાજકોટ મનપાની સામાન્ય ચૂંટણી વર્ષ 2021માં વોર્ડ નં. 15માંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું. તમોને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનું ચૂંટણીપંચને આપવાનું થતું ફોર્મ ક અને ખ આપ્યું હતું. આથી તમોને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનું ચિન્હ ‘હાથ’ (પંજો) ફાળવવામાં આવ્યો હતો. આથી તમો કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને તમો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે વિજેતા થયા હતા. કોંગ્રેસ પક્ષના નિશાન ‘હાથ’ (પંજો) પર ચૂંટણી લડ્યા હોય અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા હતા.

તમારા ચૂંટાયેલા પદ ઉપરથી રાજકોટ મનપાના કમિશનરને કોર્પોરેટર પદ પરથી રાજીનામું આપ્યા વિના તમોએ આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા છો. આથી તમોએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ચિન્હનો અને ચૂંટણી અધિકારીને આપવામાં આવેલા મેન્ડેટનો અનાદર કર્યો છે. તેમજ ભારતીય ચૂંટણીપંચના કાયદાઓનો ભંગ કર્યો હોવાનું આ નોટિસથી જણાવવામાં આવ્યું છે. આ નોટિસ મળ્યાના બે દિવસમાં કોર્પોરેટરપદેથી તાત્કાલિક રાજીનામું મનપા કમિશનરને આપી દેવું. અન્યથા તમોની સામે પક્ષાંતર વિરોધી ધારા મુજબ તેમજ કાયદાઓની અન્ય જોગવાઇઓ અને નિયમો અનુસાર કાર્યવાહી કરવાની અમોને ફરજ પડશે.

