મહારાષ્ટ્રમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. આ અકસ્માત નાશિક પાસે થયો હતો. મળતી માહિતી મુજબ રવિવારે બપોરે નાશિક નજીક લોકમાન્ય તિલક-જયનગર એક્સપ્રેસ ટ્રેનના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. રેલવેએ આ જાણકારી આપી છે. રેલવેએ કહ્યું કે આ અકસ્માતમાં કોઈના મૃત્યુ કે કોઈ વ્યક્તિને ગંભીર ઈજા થવાના સમાચાર નથી. આ ટ્રેન બિહાર જઈ રહી હતી.
પવન એક્સપ્રેસનો કોચ પાટા પરથી ઉતરી જવાની ઘટના લહવિત અને દેવલાલી સ્ટેશન વચ્ચે બની હતી. રેલવે વિભાગે જણાવ્યું કે અકસ્માત રાહત ટ્રેન અને મેડિકલ વાનને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં બે મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ છે, જેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી.
જે જગ્યાએ આ ઘટના બની હતી તે જગ્યાએ પાટા પાસે એક મૃતદેહ મળી આવ્યો છે, પરંતુ રેલવેના જણાવ્યા અનુસાર આ મૃતદેહ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા કોઈ મુસાફરની નથી. ટ્રેન પાટા પરથી ઉતરી ગયા બાદ ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. ઘટના બાદ તરત જ મધ્ય રેલવેએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે.

