અમરગઢ ગામે આવેલી સરકારી જમીનમાં હાજાપર ગામના ત્રણ શખસોએ દબાણ કરી પચાવી પાડી હોવાની કલેક્ટર સમક્ષ અરજી થઈ હતી. જે અરજીના અનુસંધાને ફેબ્રુઆરી મહિનામાં એક બેઠક મળી હતી. જેમાં આ અંગેના તપાસનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ હવે સરકારી જમીન પચાવી પાડનાર ત્રણ શખસો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાતા ફફડાટ ફેલાયો છે.

રાજકોટ તાલુકાના મામલતદાર કે.એમ.કથીરિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, અનિલભાઇ વિઠ્ઠલભાઇ ખૂંટ નામની વ્યક્તિએ અમરગઢ ગામની સરકારી જમીનમાં હાજાપર ગામના વિજય જીવણ સોલંકી, કૈલાસ જીવણ સોલંકી, ઉમેશ જીવણ સોલંકીએ દબાણ કરી પચાવી પાડી હોવાની કલેક્ટર તંત્રમાં અરજી કરી હતી. જે અરજીને પગલે ગત ફેબ્રુઆરી મહિનામાં મળેલી બેઠકમાં તપાસના આદેશ કર્યા હતા.

તપાસ દરમિયાન આ ત્રણેય શખ્સના પિતા જીવણભાઇ ધરમશીભાઇ સોલંકીએ રૂ.100ના નોટરાઇઝડ કરારથી સ્વ.કચરાભાઇ રાજાભાઇ સોલંકીના વારસો પાસેથી વેચાણથી રાખ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે આ જમીનની બાજુમાં આવેલ સરકારી ખરાબો પણ વેચાણ રાખેલ છે. જોકે, રેવન્યૂ રેકર્ડમાં આની નોંધ દાખલ થઇ નથી. અને ટાઇટલ ચોખ્ખું ન હોવાનું પણ જાણવા મળ્યું હતું. ત્રણેય શખ્સે વધારાની સરકારી ખરાબાની જમીન હોય અને ડીઇએલઆર દ્વારા થયેલી માપણીમાં ત્રણેય શખ્સના કબજાવાળી જમીનમાં સરકારી જમીન પર દબાણ કરી ગેરકાયદેસર કબજો કર્યો છે. તંત્રની તપાસના અંતે ત્રણેય શખ્સે સરકારી જમીન પચાવી પાડ્યાનું ખૂલતા તેમની સામે ગુનો નોંધાયો છે.

