મોરબીમાં ‘નારી વંદન ઉત્સવ’ સપ્તાહના ભાગરૂપે મહિલાઓ તથા યુવતીઓમાં આત્મવિશ્વાસ, સુરક્ષા અને અધિકારો પ્રત્યે જાગૃતિ કેળવવાના ઉમદા હેતુથી ‘મહિલા સુરક્ષા દિવસ’ અન્વયે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઓમ વી.વી.આઈ.એમ. કોલેજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી જે.બી. ત્રિવેદીએ દીકરીઓ શારીરિક અને આર્થિક રીતે સક્ષમ બને તેમજ સરકારી યોજનાઓનો લાભ લઈ સ્વાવલંબી બને તે માટે પ્રેરણાદાયી ઉદ્બોધન આપ્યું હતું.
આ પ્રસંગે એડવોકેટ નસીમબેન ખોખર દ્વારા મહિલાઓને ‘ઘરેલુ હિંસા અધિનિયમ-2005’ હેઠળ કાનૂની અધિકારોની જાણકારી અપાઈ હતી, જ્યારે ટ્રેનિંગ કોચ મનીષભાઈ દ્વારા સ્વ-રક્ષણ (સેલ્ફ ડિફેન્સ)ના પ્રેક્ટિકલ દાવનું નિદર્શન કરાવાયું હતું. આ ઉપરાંત, 108 અભયમ ટીમ અને પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ઘેલા મેડમ દ્વારા મહિલાઓને સાયબર સુરક્ષા, ‘શી ટીમ’ની કામગીરી અને વિવિધ આકસ્મિક સેવાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે આચાર્ય અંકિતભાઈ તથા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓ અને મોટી સંખ્યામાં યુવતીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

