HomeGujaratઆંદરણા ગામની લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, મધ્યપ્રદેશની ચોરટોળકીના બે આરોપી ઝડપાયા

આંદરણા ગામની લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, મધ્યપ્રદેશની ચોરટોળકીના બે આરોપી ઝડપાયા

મોરબી તાલુકાના આંદરણા ગામમાં બંધ મકાનમાં થયેલી લાખો રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ મોરબી એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી લીધો છે. પોલીસે મધ્યપ્રદેશની રીઢી ચોરટોળકીના બે આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી રૂ. 4.53 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આંદરણા ગામે રહેતા કમલેશભાઈ મેરામણભાઈ બોરાણાના બંધ મકાનમાં તસ્કરોએ રાત્રિના સમયે દરવાજાનું તાળું તોડી પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ કબાટના લોક તોડી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને ઘડિયાળ સહિત કુલ રૂ. 7.36 લાખથી વધુની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ એલસીબીની ટીમે તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ આગળ વધારી હતી. તપાસમાં મોરબી-વાંકાનેર રોડ પર ઈંટોના ગડદા બનાવવાનું કામ કરતા પરપ્રાંતીય મજૂરો શંકાના દાયરામાં આવ્યા હતા. પૂછપરછમાં ખુલ્યું કે આરોપીઓ દિવસ દરમિયાન ગામોમાં ફરી બંધ મકાનોની રેકી કરતા અને રાત્રે તક મળતા ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા.

પોલીસે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસી સમરસિંગ ઉર્ફે સમીર કાલુસિંગ દેવકા (ઉં.વ. 33) અને સુરેશ ઉર્ફે સુરો ભુરસિંગ દેવકા (ઉં.વ. 26)ની ધરપકડ કરી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અંતરસિંગ મકવાણા, રમેશ કાલુસિંગ દેવકા અને દિલીપ માના અનારેને ઝડપી પાડવા માટે શોધખોળ ચાલુ છે.

ઝડપાયેલા આરોપીઓ પાસેથી સોનાના મંગળસૂત્ર, ચેઇન, બુટ્ટી, પેન્ડલ, વીંટી, ચાંદીના કડા તેમજ મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 4,53,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ બનાવ બાદ જિલ્લા પોલીસે નાગરિકોને કિંમતી દાગીના અને રોકડ બેંક લોકરમાં રાખવા તેમજ લાંબા સમય માટે ઘર બંધ રાખવાનું હોય તો નજીકના પડોશીઓ અને સ્થાનિક પોલીસને જાણ કરવાની અપીલ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW