કોરોના કાળના બે વર્ષ બાદ આ વર્ષે બોર્ડની પરીક્ષા લેવાઈ રહી છે. જેના કારણે વિદ્યાર્થીઓ થોડા નર્વસ ભાવે રહ્યા છે. પણ પરીક્ષા બે પેપર સારા થતા હવે વિદ્યાર્થીઓ કોઈ પ્રકારના ટેન્શન વગર પરીક્ષા આપી રહ્યા છે. એવામાં નવસારી જિલ્લામાંથી આઘાત લાગે એવો કેસ સામે આવ્યો છે. રાજ્યમાંથી વધુ એક વિદ્યાર્થીના અકાળે મોતની ઘટના સામે આવી છે. નવસારી શહેરના આશાનગર વિસ્તારમાં રહેતો ઉત્સવ શાહ કરિયરની પરીક્ષા આપે એ પહેલા જ જીંદગીની પરીક્ષામાં નાપાસ થઈ ગયો છે.
અગ્રવાલ કોલેજમાં એનું આંકડાશાસ્ત્રનું પેપર હતું. આ કસોટી પાસ કરે એ પહેલા જ એના જીવનનો અંત આવી ગયો. અચાનક હાર્ટ એટેકના કારણે વિદ્યાર્થીનું અવસાન થયું છે. બપોરે એક વાગ્યાના આસપાસ તેના પિતાને કહ્યું કે, છાતીમાં દુખે છે. પછી તેને એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેતું ખસેડવામાં આવ્યો હતો. ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરતા પરિવારની પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આમ વધુ એક વિદ્યાર્થી અકાળે અવસાન પામ્યો છે. આ પહેલા અમદાવાદમાંથી પણ આવી જ એક ઘટના સામે આવી હતી.

નવસારી જિલ્લામાં દર્શન કોમ્પ્યુટર નામની પેઢી ચલાવતા મનોજ શાહના પરિવારમાં એક દીકરો અને બે દીકરી છે. ભાઈનું આ રીતે અકાળે અવસાન થતા બહેન ભાઈ વિહોણી થઈ ગઈ છે. પુત્ર ઉત્સવની તબિયત બપોરે અચાનક લથડી હતી. પછી એનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેના કારણે સમગ્ર પરિવારમાં માતમનો માહોલ છે. પરિવારે પોતાના પુત્રનું નેત્રદાન કર્યું હતું. મોડી સાંજે આશા નગરથી તેના ઘરે અવસાનને કારણે સંબંધીઓ અને સમાજના આગેવાનો સાંત્વના દેવા માટે આવી પહોંચ્યા હતા. કલેકટર,DDO,DEO, અને શહેરના અગ્રણીઓ સહિત નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ જીગીશ શાહ પણ જોડાયા હતા.
બોર્ડની પરીક્ષા શરૂ થયા બાદ અચાનક આ રીતે હાર્ટ એટેક આવી જવાનો રાજ્યમાં આ બીજો કિસ્સો છે. જેમાં વિદ્યાર્થીનું અચાનક મોત નીપજ્યું છે. અમદાવાદમાં જે વિદ્યાર્થીનું આ રીતે અચાનક અવસાન થયું એને કોઈ બીમારી હતી કે બીજું કંઈ એ સામે આવ્યું નથી. હાલમાં જે રીતે વિદ્યાર્થીઓના પરીક્ષા ખંડમાં અને ઘરે અવસાન થઈ રહ્યા છે તેના પરથી દરેક વાલીઓને પોતાના સંતાનની ચિંતા થવી સ્વાભાવિક છે. હાલમાં વાલીઓએ પણ પરિસ્થિતિ પારખીને વિદ્યાર્થીઓને હૂંફનું વાતાવરણ આપવું એ સમયની માંગ બની રહી છે.

