ગુજરાત વિધાનસભામાં હાલમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં ઘણા ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યાં છે. અત્યારસુધીમાં રાજ્યનું દેવુ 3 લાખ 963 કરોડ રૂપિયાએ પહોંચ્યું હોવાનનું નાણામંત્રી કનુ દેસાઈએ સ્વિકાર કર્યો છે. જેને લઈને વિપક્ષે ભાજપ સરકારને આડેહાથ લીધી હતી.

વિધાનસભામાં બજેટ સત્રમાં નાણા મંત્રી કનુ દેસાઈએ આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2019-20માં સરકાર દ્વારા 20,293 કરોડ રૂપિયા વ્યાજ ચૂકવવામાં આવ્યુ હતુ, તેમજ 2020-21માં સરકારે 22,099 કરોડ રૂપિયા વ્યાજ પેટે ચૂંકવાયા છે. આ સાથે એ પણ જાણવા મળ્યુ છે કે, 2019-20માં 16,701 કરોડ રૂપિયા મુદ્દલ પેટે ચૂકવવામાં આવ્યા હતા. તો 2020-21માં 17,918 કરોડ દેવાના મુદ્દલ તરીકે ચૂકવાયા હતા.

આ દેવાને લઈ વિધાનસભામાં સરકાર અને વિપક્ષ વચ્ચે ચર્ચા પણ થઈ હતી. જેમાં સરકાર તરફથી નાણામંત્રી કનુ દેસાઈ નિવેદન કરતા કહ્યુ હતુ કે, રાજ્યનુ દેવુ 21.4 ટકા છે. જો રાજ્યનો વિકાસ કરવો હોય તો દેવુ કરવુ જરૂરી છે. તમામ રાજ્યો પર વિકાસ માટે દેવુ થતુ હોય છે. કનુ દેસાઈના આ નિવેદન પર કોંગ્રેસી ધારાસભ્ય અમિત ચાવડાએ ગૃહમાં પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે, જ્યારે કોંગ્રેસના સમયમાં દેવુ થતુ હતુ ત્યારે તો મોંઢુ ચડાવતા હતા. પરંતુ હવે ભાજપ સરકાર દેવા મુદ્દે પણ ગર્વ લઈ રહી છે.

રાજ્ય સરકારના દેવાના ભાગ રૂપે નાણાકીય વર્ષ 2019-20 અને 2020-21માં અલગ અલગ સંસ્થાઓને વ્યાજ ચૂકવવામાં આવ્યા છે. જેમાં બજાર લોનનુ 7.85 ટકા વ્યાજ, એનએસએસએફ લોનનુ 9.55 ટકા વ્યાજ ભરવામાં આવ્યુ છે તો કેન્દ્ર સરકાર પાસેથી લીધેલી લોનનુ 2.99 ટકા વ્યાજ ચૂકવવામાં આવ્યુ છે.

