રશિયા અને યુક્રેન વચ્ચે 19 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ અને મેટલના ભાવોમાં ભડકો થયો છે. જેની સીધી અસર રાજકોટમાં ધમધમતા ઈમિટેશન ઉદ્યોગ ઉપર પડી છે. ત્રણ દિવસમાં ધાતુનો ભાવ રૂપિયા 1800થી 4000એ પહોંચતા ઈમિટેશન ઉદ્યોગ મરણપથારીએ પહોંચ્યો છે. તો છેલ્લા સપ્તાહમાં 40 કારખાનાઓમાં કામકાજ ઠપ્પ થયા છે. તો કેટલાક કારખાનેદારોએ કામદારોને છુટા કરી દેતા તેઓ બેરોજગાર બન્યાં છે.

રશિયા તેમજ યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધના કારણે આ ઉદ્યોગની માઠી દશા બેઠી છે. હાલ દાગીનાની બનાવટમાં ઉપયોગમાં લેવામાં આવતી જુદી જુદી ધાતુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. રશિયાથી ઇમ્પોર્ટ કરવામાં આવતી નિકલ ધાતુનો ભાવ 3 દિવસ પૂર્વે 1800 હતો. જે આજે 4000 સુધી પહોંચી ચૂક્યો છે. તો કોપરનો પ્રતિ કિલો ભાવ રૂ.700થી વધીને રૂ.900, અલોય મેટલનો ભાવ રૂ. 220થી 380, ઉપરાંત બ્રાસનો ભાવ રૂ.400થી વધીને રૂ.600 સુધી પહોંચતા નાના ધંધાર્થીઓને કમરતોડ ફટકો પડ્યો છે.

ધાતુઓમાં સતત વધતા જતા ભાવના કારણે છેલ્લા 5 દિવસમાં 40 જેટલા કારખાના ટેમ્પરરી બંધ કરવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. જેના લઈને કારખાનાઓનાં માલિકોની સાથે રોજમદાર તરીકે કામ કરતા કેટલાક લોકોને છુટ્ટા કરવાની ફરજ પડી છે. હાલમાં ધાતુના ભાવમાં તોતિંગ વધારો થતા ઉત્પાદન કોસ્ટમાં જબરો વધારો થયો છે. જેને પરિણામે ભાવો વધતા ઘરાકીમાં ઘટાડો નોંધાયો છે.

હાલ એકતરફથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ બંને દેશ વચ્ચે ક્યારે પરિસ્થિતિ સામાન્ય બનશે તે કહેવું મુશ્કેલ છે. બીજી તરફ યુદ્ધના કારણે વૈશ્વિક સ્તર પર ક્રૂડ અને ધાતુના ભાવમાં તોતિંગ વધારો થતા યુદ્ધની જ્વાળાઓ મોંઘવારીના સ્વરૂપે રાજકોટના ઇમિટેશન બજારને પણ ભરખી રહી છે. ધાતુના ભાવમાં તોતિંગ વધારો આવતા અનેક પ્રોડક્શન હાઉસ બંધ થયા છે. અને જે અમુક ચાલુ છે તે પણ બંધ થવાની શક્યતા છે.

