હળવદ તાલુકાના નવા વેગડવાવ ગામે રહેતા અશ્વિનભાઈ ગોરધનભાઈ સોનગ્રાએ ગામના જ પાંચ શખ્સો ગૌતમ છગનભાઈ કણઝરીયા, છગનભાઈ પોપટભાઈ કણઝરીયા, પ્રવિણભાઈ નરશીભાઈ કણઝરીયા, ચંદ્રેશભાઈ ઘનશ્યામભાઈ કણઝરીયા અને દલસુખભાઈ હેમુભાઈ કણઝરીયા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, પોતાના ખેતરમાં જવાના રસ્તા પર આરોપી પક્ષે થાંભલા નાખ્યા હતા. આ થાંભલા દૂર કરવા માટે ફરિયાદીના કાકી કાન્તાબેન અને ભાભી રમિલાબેન જતાં આરોપી ગૌતમએ વિરોધ કરી ગાળાગાળી શરૂ કરી હતી. ત્યારબાદ ગૌતમ અને છગનભાઈએ કાન્તાબેન, રમિલાબેન તથા ફરિયાદીના પિતાને માર માર્યો હતો, જેમાં ત્રણેયને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, આરોપી પ્રવિણભાઈએ ફરિયાદીના કાકા વાસુદેવભાઈને લોખંડના સળિયાથી માર મારી પગમાં ઇજા પહોંચાડી હતી. જ્યારે આરોપી ચંદ્રેશભાઈએ ફરિયાદીને પથ્થર મારતાં તેમના જમણા હાથમાં ઇજા પહોંચી હતી. ઉપરાંત આરોપી દલસુખભાઈએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદના આધારે હળવદ પોલીસે પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

